<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

વિસાવદરના વેકરીયા ગામે ગાળો બોલવાની ના પાડતા યુવાનને છરી મારી

માંગરોળમાં યુવાનને શખ્‍સે પથ્‍થર મારી માથું ફોડયુ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૨૩: વિસાવદરના વેકરીયા ગામે ગાળો બોલવાની ના પાડતા યુવક પર ૩ શખ્‍સોએ છરી વડે હુમલો કરી ગંભીર પ્રકારની ઇજા પહોંચાડી હતી.

વિગતો એવી છે કે વિસાવદર તાલુકાના વેકરીયા ગામે ગ્રામ પંચાયત પાસે રહેતા ૨૬ વર્ષીય બિપિન ધનજીભાઈ બલદાણીયા રવિવારે રાત્રે  નવેક વાગ્‍યાની આસપાસ પોતાના ઘરે હાજર હતા, ત્‍યારે ગામની ગ્રામ પંચાયત ઓફિસ પાસે કેટલાક શખ્‍સો ગાળો બોલી રહ્યા હતા.

આથી યુવાને શખ્‍સોને ગાળો બોલવાની ના પાડતા જેનું મનદુઃખ રાખી ગામના જ રાજદીપ ગીજુભાઈ કોળી, કુલદીપ ગીજુભાઈ કોળી અને મીત જયસુખભાઈ કોળી નામના શખ્‍સો ઉશ્‍કેરાઈ ગયા હતા. રાજદીપે પોતાની પાસે રહેલી છરી વડે બિપિનના જમણા પડખાના ભાગે ગંભીર ઘા મારી દીધો હતો.

જ્‍યારે મીત નામના શખ્‍સે લોખંડના પાઇપ વડે હુમલો કર્યો હતો. જેથી યુવકના માતા પિતા અને બહેનો દોડી આવતા ત્રણેય શખ્‍સ નાસી છૂટયા હતા.

ગંભીર રીતે ઘવાયેલા બિપિનને તાત્‍કાલિક સારવાર અર્થે વિસાવદર સરકારી દવાખાને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જૂનાગઢ સરકારી હોસ્‍પિટલમાં રિફર કરવામાં આવ્‍યો હતો.

આ બનાવ અંગે વિસાવદર પોલીસે ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

માંગરોળના શક્‍તિનગરમાં રહેતા ૩૪ વર્ષીય રાહુલભાઈ વીરાભાઇ કરમટા સોમવારે વહેલી સવારે કેશોદ ચોકડી ખાતેથી નાસ્‍તો કરીને તેના મિત્ર કુણાલ પુંજાભાઈ કોડીયાતર સાથે બાઈક લઈને જઈ રહ્યા હતા ત્‍યારે સરકારી હોસ્‍પિટલ માંગરોળના કમ્‍પાઉન્‍ડમાં સાહિલ ફિરોજભાઈ પઠાણ નામનો શખ્‍સ જોવા મળતા રાહુલે તેને તું અહીં કેમ ઉભો છે તેમ પૂછયું હતું. શખ્‍સે ઉશ્‍કેરાઈ જઈને દવાખાના કમ્‍પાઉન્‍ડમાંથી પથ્‍થર લઈને હુમલો કર્યો હતો. આ હુમલાથી રાહુલને માથાના ભાગે ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્‍યો હતો. યુવકની ફરિયાદ આધારે પોલીસે ઘટના અંગે સાહિલ પઠાણ સામે કાર્યવાહી કરી હતી

(10:53 AM IST)