<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

ભાવનગરમાં કરચલીયાપરામાં યુવાનની છરીના ઘા ઝીંકી હત્યા, પિતાને પણ ઘાયલ કર્યા

પિતા અને તેના બે સગીર પુત્રોએ મળીને એક યુવાનને આંતરી લઈ તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી

(વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલા પોપટનગર, નાળા પાસે જૂની અદાવતને લઈને  ખૂની ખેલ ખેલાયો હતો. આશરે એક વર્ષ અગાઉ થયેલી સામાન્ય બોલાચાલીનું મનદુઃખ મનમાં રાખીને એક પિતા અને તેના બે સગીર પુત્રોએ મળીને એક યુવાનને આંતરી લઈ તીક્ષ્ણ હથિયાર વડે આડેધડ ઘા ઝીંકી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાખી હતી. જ્યારે મૃતક યુવાનને બચાવવા વચ્ચે પડેલા તેના પિતા પર પણ હુમલાખોરોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ત્યારબાદ તમામ શખસો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના કરચલીયાપરા વિસ્તારના પોપટનગર, નાળા પાસે રહેતા જાગુબેન બુધાભાઈ બારૈયાએ ગંગાજળિયા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમનો પુત્ર રોહિતભાઈ બુધાભાઈ બારૈયા ઘરથી બાઈક લઈને પંજાબી સબ્જી લેવા માટે નીકળ્યો હતો. તે દરમિયાન અગાઉની બોલાચાલીનું વેર મનમાં રાખીને તેના ઘર પાછળ રહેતા એક યુવાન અને તેના બે સગીર પુત્રોએ રોહિતભાઈને રસ્તામાં આંતરી લીધા હતા. ત્યારબાદ ત્રણેય હુમલાખોરોએ ઉશ્કેરાઈને રોહિતભાઈ પર જીવલેણ હુમલો કરી છરીના આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ હુમલામાં રોહિતભાઈને શરીરના વિવિધ ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા.
દરમિયાન પોતાના પુત્ર પર હુમલો થતો જોઈ તેને બચાવવા માટે વચ્ચે પડેલા પિતા પર પણ હુમલાખોરોએ હુમલો કરી ઈજા પહોંચાડી હતી. પિતા-પુત્ર બંનેને ઘાયલ કર્યા બાદ તમામ શખસો ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. બનાવ બનતા જ આસપાસના મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા રોહિતભાઈને તાત્કાલિક સારવાર અર્થે સર.ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવની જાણ થતા ડીવાયએસપી અને ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળનું નિરીક્ષણ કરી, આસપાસના લોકોના નિવેદનો લઈને વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવ અંગે મિલકત અને જૂની અદાવતના આધારે ગંગાજળિયા પોલીસે પિતા સહિત ત્રણ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસે ફરાર થઈ ગયેલા હુમલાખોર શખસોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરી સઘન તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે

(12:29 PM IST)