News of Tuesday, 27th October 2026
અમરેલીમાં એસીબીનું સફળ ઓપરેશન : ઇરીગેશન કચેરીના જુનિયર ક્લાર્ક અને કરાર આધારિત પટ્ટાવાળા રૂ. ૫૧ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
બાંધકામ અને મટીરિયલ્સ ટેસ્ટિંગના બાકી નાણા મંજૂર કરવાના બદલામાં માંગવામાં આવી હતી લાંચ : બહુમાળી ભવન સ્થિત કચેરીમાં ટ્રેપ ગોઠવી એસીબીની ટીમે બંને આરોપીઓને ઝડપી પાડ્યા

અમરેલી : અમરેલી જિલ્લામાં એન્ટિ કરપ્શન બ્યુરો (એસીબી) ની ટીમ દ્વારા ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અમરેલીના બહુમાળી ભવન ખાતે આવેલા ઇરીગેશન વિભાગની કચેરીમાં છટકું ગોઠવીને જુનિયર ક્લાર્ક અને કરાર આધારિત પટ્ટાવાળાને રૂપિયા ૫૧,૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. આ સફળ ઓપરેશનથી સરકારી વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ કેસના ફરિયાદીની કન્સ્ટ્રક્શન કંપનીને ઇરીગેશન વિભાગ તરફથી વર્ષ ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન વિવિધ બાંધકામો માટેના વર્ક ઓર્ડર મળ્યા હતા. નિયત કામગીરી પૂર્ણ થયા બાદ ફરિયાદીના બિલના નાણા ખાતામાં જમા થયા હતા, પરંતુ કેટલાક બાકીના બિલ તેમજ બાંધકામમાં વપરાયેલા મટીરિયલ્સના ટેસ્ટિંગ બિલના નાણા મંજૂર કરવાના બાકી હતા.
આ બાકી રહેલાં બિલોના નાણા મંજૂર કરવાના બદલામાં અગાઉ ચૂકવણી કરેલ બિલની રકમના એક ટકા લેખે કુલ રૂપિયા ૫૧,૦૦૦ ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ઇરીગેશન કચેરીમાં ફરજ બજાવતા જુનિયર ક્લાર્ક રાકેશ વિનોદરાય ભટ્ટ (ઉંમર વર્ષ ૫૦, રહે. લાઠી રોડ, રોયલ પાર્ક સોસાયટી, બ્લોક નંબર જી-૨, અમરેલી) દ્વારા આ લાંચની માંગણી કરાઈ હતી. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ અમરેલી એસીબી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી રૂબરૂ ફરિયાદ નોંધાવી હતી.
ફરીયાદીની આ ફરિયાદના આધારે એસીબીની ટીમ દ્વારા ૨૭ ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. બહુમાળી ભવનના સી વિંગના ત્રીજા માળે આવેલી ઇરીગેશન કચેરીમાં ગોઠવાયેલા આ છટકા દરમિયાન આરોપી રાકેશ વિનોદરાય ભટ્ટના કહેવાથી કરાર આધારિત પટ્ટાવાળા જયદિપ ચતુરભાઇ હરીયાણી (ઉંમર વર્ષ ૩૦, રહે. લાઠી રોડ, બ્રાહમણ સોસાયટી, શેરી નંબર ૦૫, અમરેલી) એ ફરિયાદી પાસેથી લાંચની રકમ રૂપિયા ૫૧,૦૦૦ સ્વીકારી લીધી હતી. એસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને બંનેને ઝડપી લીધા હતા અને લાંચની પૂરેપૂરી રકમ રીકવર કરી હતી.
આ સફળ ટ્રેપિંગ કાર્યવાહી ડી.બી. ડાભી, પોલીસ ઇન્સ્પેક્ટર, અમરેલી એસીબી પોલીસ સ્ટેશન તથા એસીબી સ્ટાફ દ્વારા પાર પાડવામાં આવી છે. આ મામલે એસીબી દ્વારા આગળની કાનૂની તજવીજ હાથ ધરવામાં આવી છે.
(6:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
