<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

અદાણી ગ્રુપ દેશમાં હવાઈ ક્ષેત્રે આગામી ૫ વર્ષમાં ૧ લાખ કરોડનું રોકાણ કરશેઃ જીત અદાણી

કચ્‍છના મુન્‍દ્રા એરપોર્ટમાં દરરોજની ૮ ફલાઈટના શિડ્‍યુઅલ સાથે નવા એરપોર્ટનો પ્રારંભ, પેસેન્‍જર સેવાઓ અને લોજિસ્‍ટિક સર્વિસ દ્વારા મલ્‍ટી મોડેલ બિઝનેસ ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર વિકસાવવા માટે આયોજન, નવા ૧૧ એરપોર્ટની બીડ માટે સજ્જ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ર૪ :..  સ્‍ટાર એર દ્વારા ગઈકાલ મંગળવાર ૨૩ જૂનથી મુંન્‍દ્રા એરપોર્ટથી મુંબઈ અને ગોવાને જોડતી તેની પ્રથમ શિડ્‍યુલ્‍ડ ફલાઇટ સેવા શરૂ કરવાની અદાણી મુન્‍દ્રા એરપોર્ટ ઉપર પેસેન્‍જર વિમાની સેવા શરૂ થઈ ગઈ છે. સ્‍ટાર એર સાથે વ્‍યૂહાત્‍મક સહયોગમાં થયેલું આ મહત્‍વનું હવાઈ જોડાણ સંપૂર્ણ સંકલિત, મલ્‍ટી-મોડલ લોજિસ્‍ટિક્‍સ અને બિઝનેસ હબમાં પરિવર્તિત થવા સાથે કચ્‍છ પ્રદેશની અભૂતપૂર્વ આર્થિક સંભાવનાઓને ખોલશે.

આ પ્રસંગે અદાણી એરપોર્ટ હોલ્‍ડિંગ્‍સના ડાયરેક્‍ટર જીત અદાણીએ જણાવ્‍યું હતું કે, અદાણી ગ્રુપ તેના એવિયેશન સેક્‍ટર માટે આગામી ૫ વર્ષમાં એક લાખ કરોડનું મૂડી રોકાણ કરશે. દેશમાં ઉડ્ડયન ક્ષેત્રે મજબૂત  ઇન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર ઊભું કરવાનું આયોજન છે. એ સાથે જ કેન્‍દ્ર સરકાર દેશના ૧૧ એરપોર્ટના ખાનગી સંચાલન માટે બીડ ગોઠવવાનું આયોજન કરી રહી છે એના ઉપર પણ અદાણી ગ્રુપની નજર છે. મુન્‍દ્રામાં અત્‍યાધુનિક ટર્મિનલ ઉપરથી સ્‍ટાર એર દ્વારા આઠ નવી હવાઈ સેવાઓના આરંભ સાથે વેપાર, વાણિજ્‍ય, લોજિસ્‍ટિક્‍સ અને પર્યટન માટે મુસાફરીનો સમય ઘટાડતા એક એક્‍સપ્રેસ કોરિડોરનું નિર્માણ થશે.  ભારતના સૌથી મોટા મુન્‍દ્રા બંદરની આર્થિક ગતિવિધીને બળ આપશે. સ્‍ટાર એર મારફત મુન્‍દ્રાને જોડનારા અન્‍ય શહેરોમાં હિંડોન, સુરત, બેલાગવી, બેંગલુરુ, કોલ્‍હાપુર અને નાંદેડનો સમાવેશ થાય છે.

અદાણી ગ્રુપના નિવડેલા વિકાસ મોડેલ આધારિત નિર્માણ થયેલા મુન્‍દ્રા એરપોર્ટની કાર્યક્ષમતા અને ભવિષ્‍યના વિકાસ અને  વિવિધ પ્રકારના પ્રવાસીઓ અને કાર્ગો વિમાનોનું સંચાલન કરવાની ક્ષમતા ધરાવતાો ૧,૯૦૦ મીટરનો વિશાળ રનવે બનાવવામાં આવ્‍યો છે. વિશાળ ર્પાકિંગ, બહુવિધ ચેક-ઇન કાઉન્‍ટર્સ, આરામદાયક લાઉન્‍જ અને ફુલ-સર્વિસ ફૂડ કોર્ટ વ્‍હીલચેરની સુવિધાઓ અને સમર્પિત પેસેન્‍જર ડ્રોપ-ઓફ ઝોન સહિતની સવલત ધરાવતું આધુનિક ટર્મિનલ આ વિસ્‍તારમાં તકોની ક્ષિતિજનું અનાવરણ કરશે.

ભારતના સૌથી મોટા ખાનગી બંદર મુન્‍દ્રા અને સૌથી મોટો કાર્યરત મલ્‍ટી-પ્રોડક્‍ટ મુન્‍દ્રા સ્‍પેશ્‍યલ ઇકોનોમિક ઝોન આસપાસ આ હવાઈ માર્ગની શરુઆત આયાત-નિકાસની પ્રવળત્તિનું કેન્‍દ્ર એવા ભારતની આર્થિક ઉન્નતિને ઉર્જા આપવા માટેનું એક ગણતરીપૂર્વકનું પગલું છે.

છેવાડાના માઇલને આવરી લેતું આ હવાઈ જોડાણ અને બંદરિય વેપારના વિશાળ જથ્‍થાને રાષ્‍ટ્રીય અને વૈશ્વિક સપ્‍લાય ચેઇન સાથે વધુ કાર્યક્ષમ રીતે સંચાલન અને સંકલન સાધવા સક્ષમ બનાવે છે.

આ પ્રીમિયર એરપોર્ટ અદાણી સમૂહને તેના બંદર અને ઉડ્ડયન કામગીરી વચ્‍ચે એક શક્‍તિશાળી સિનર્જી બનાવવા સક્ષમ બનાવવા ઉપરાંત કચ્‍છના વેપાર, વણજ અને પર્યટનના ભવિષ્‍યને નવી નોંધપાત્ર ઊંચાઈએ લઈ જવામાં એક મહત્‍વનું ઉત્‍પ્રેરક બનવાની ભરપૂર સંભાવના છે.

આ પહેલ હેઠળ નવી મુંબઈ, મુંબઈ, અમદાવાદ, જયપુર, લખનૌ, તિરુવનંતપુરમ, મેંગલુરુ અને ગુવાહાટી મળી વિશ્વકક્ષાના આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટના સંચાલનમાં અદાણી જૂથની કુશળતાનો ઉપયોગ કરશે.

(11:37 AM IST)