<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

કચ્છના યુવાનોને સ્વનિર્ભર બનાવવા માટે અદાણી ગ્રુપની પહેલ: કચ્છની ૧૧ સરકારી આઈટીઆઈમાં નિષ્ણાતો દ્વારા ઉચ્ચ ટેકનિકલ તાલીમ અપાશે

રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરના ઉદ્યોગો માટેની તાલીમ, અભ્યાસક્રમમાં સુધારો કરી ફેકલ્ટી ડેવલપમેન્ટ અને ઓન-ધ-જોબ ટ્રેનિંગ ઉપર ફોકસ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૩૦ : અદાણી ગ્રુપના કેપેબિલિટી-બિલ્ડિંગ પ્લેટફોર્મ 'અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન' (ASE) એ કચ્છ જિલ્લાની 11 સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) ના કાયાકલ્પ માટે ગુજરાત સરકાર સાથે બે મહત્વપૂર્ણ એમઓયુ (MoUs) કર્યા છે. આ ભાગીદારી હેઠળ ઉદ્યોગોને જરૂરી સ્કીલિંગ અને રોજગાર-લક્ષી તાલીમ પૂરી પાડવામાં આવશે.

કચ્છ જિલ્લો અત્યારે રિન્યુએબલ એનર્જી, લોજિસ્ટિક્સ અને ઇન્ડસ્ટ્રિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના મુખ્ય હબ તરીકે ઉભરી રહ્યો છે. આ પહેલનો હેતુ સ્થાનિક યુવાનોને પ્રદેશના આગામી વિકાસમાં ભાગીદાર બનવા માટે જરૂરી કૌશલ્યો અને એક્સપોઝર આપવાનો છે.

આ પ્રસંગે સંબોધન કરતા કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈએ આત્મનિર્ભર કાર્યબળના નિર્માણમાં ઉદ્યોગ-અનુકૂળ કૌશલ્યના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે, “અમારો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને વૈશ્વિક સ્તરની ટેકનિકલ તાલીમ આપવાનો અને સ્કીલ ઇન્ડિયા મિશન હેઠળ દરેક યુવાન સ્વનિર્ભર બને તે સુનિશ્ચિત કરવાનો છે.” રાજ્ય મંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયાએ વિદ્યાર્થીઓને ટેકનિકલ શિક્ષણની તકોનો લાભ ઉઠાવી સાર્થક કારકિર્દી બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે ઉમેર્યું કે, “કુશળ યુવાનો આપણા દેશની સાચી તાકાત છે અને તેઓ ભારતના આર્થિક વિકાસ અને રાષ્ટ્ર નિર્માણમાં મોટું યોગદાન આપી શકે છે.”

અદાણી સ્કીલ્સ એન્ડ એજ્યુકેશન (ASE) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) રોબિન ભૌમિકે જણાવ્યું હતું કે, “કચ્છ એ અમારી કર્મભૂમિ છે અને અમે તેના ભવિષ્ય માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છીએ. ગુજરાત સરકાર અને સ્થાનિક ITIs સાથેની ભાગીદારી દ્વારા અમારો હેતુ એક એવું સક્ષમ અને કુશળ વર્કફોર્સ તૈયાર કરવાનો છે જે લાંબા ગાળાના પ્રાદેશિક પરિવર્તનમાં મદદરૂપ બને.”

આ કાર્યક્રમમાં કચ્છ-મોરબી ના સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, શ્રી ત્રિકમભાઈ છાંગા, રાજ્ય કક્ષાના મંત્રીશ્રી, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, શ્રી અનિરુદ્ધભાઈ દવે, MLA મુન્દ્રા-માંડવી (કચ્છ), શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, MLA અબડાસા (કચ્છ), શ્રી કેશુભાઈ પટેલ, MLA ભુજ (કચ્છ), શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, MLA રાપર (કચ્છ) ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત કચ્છ જિલ્લાના વરિષ્ઠ આગેવાનો, ગુજરાત સરકારના અધિકારીઓ તેમજ અદાણી ગ્રુપના વરિષ્ઠ પદાધિકારીઓ અને કચ્છની તમામ ૧૧ સરકારી આઇટીઆઈ ના ૬૫૦ થી વધુ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

 આ તાલીમ દ્વારા કચ્છના યુવાનો નોકરી કે રોજગારી માટે કચ્છ બહાર જતાં અટકશે અને કચ્છમાં જ રોજગારી મેળવી શકશે. આમ કચ્છના વિકાસમાં પણ તેઓ સહભાગી બનશે. 

અદાણી સ્કિલ અને એજ્યુકેશન દ્વારા કરાયેલી આ પહેલ સાથે આઇટીઆઇના પરિવર્તનના ૧૦ મુદ્દાના એજન્ડાને હવે દેશના અન્ય રાજ્યોમાં "ગુજરાત મોડેલ" તરીકે ઓળખવામાં આવી રહ્યો છે.

(9:43 AM IST)