<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 30th October 2026

ચોટીલામાં ગેરકાયદે ખનિજ વહન સામે તંત્રની કાર્યવાહી

નાના પાળીયાદ નજીક રોયલ્‍ટી વગર ઓવરલોડ રેતી ભરેલું ડમ્‍પર ઝડપાયું: રૂ. ૪૦.૩૫ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા તા.૩૦: ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન સામે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આજે વહેલી સવારે નાયબ કલેક્‍ટર એસ.વી. કલસરીયા અને તેમની ટીમે ચોટીલા તાલુકાના નાના પાળીયાદ ગામ નજીક રોયલ્‍ટી ભર્યા વગર ઓવરલોડ સાદી રેતીનું વહન કરતા એક ડમ્‍પરને ઝડપી પાડી જપ્ત કર્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર, તપાસ દરમિયાન ડમ્‍પર નંબર જીજે ૦૩ સીડબલ્‍યુ ૧૧૧૧ માં રોયલ્‍ટી વગર ઓવરલોડ સાદી રેતીનું વહન થતું હોવાનું સામે આવતાં તંત્રએ કાર્યવાહી કરી હતી. જપ્ત કરાયેલ ડમ્‍પર સહિત કુલ રૂ. ૪૦,૩૫,૪૯૦નો મુદ્દામાલ કબજે લઈ ચોટીલા મામલતદાર કચેરી ખાતે ખસેડવામાં આવ્‍યો હતો.

આ મામલે રાજકોટના વાવડી વિસ્‍તારમાં રહેતા કૌશિકભાઈ ચંદુભાઈ જોષી સામે નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

ખાનગી સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ ચોટીલા પાળીયાદ, મોરસલ વિસ્‍તારમાં ભોગાવાના પટમાંથી ગેર કાયદેસર રેતી ઉસેડવામાં આવે છે. સમગ્ર આયોજન ખનીજ માફિયાઓ અને અનેક વિભાગોના મળતીયાઓની ગોઠવણ હેઠળ ચાલે છે. ડમ્‍પર ચાલક તો ચીઠીના ચાકર હોય છે પરંતું જે રોડ ઉપર થી આવા વાહનો પસાર થાય છે તેની નજીકમાં જ પોલીસ ચોકી આવેલ છે. તેની સામે જ આવા વાહનો પાળીયાદ રોડ ઉપર થી પસાર થતા હોય છે.  ત્‍યારે ટ્રાફિક વિભાગ સંભાળનાર સામે પણ સવાલ ઉદભવે છે.  ચોટીલા પંથકમાં ગેરકાયદેસર ખનિજ વહન સામે તંત્રની આ કાર્યવાહીથી ખનિજના નિયમ વિરુદ્ધ પરિવહન થતું હોય હોવાના અહેવાલને સમર્થન મળે છે.(તસવીરઃ હેમલ શાહ)

(1:15 PM IST)