News of Saturday, 1st August 2026
મોરબીના તળાવિયા શનાળા ગામે ભરાયેલા ગળાડૂબ પાણી વચ્ચે બીમાર દર્દીનું સાહસિક રેસ્ક્યુ : તંત્ર અને ગ્રામજનોએ માનવતા દાખવી દર્દીને હોસ્પિટલ પહોંચાડ્યા
નીચાણવાળા મકાનોમાં પાણી ફરી વળતાં તલાટી મંત્રી, બીટ જમાદાર ફિરોજભાઈ અને ગ્રામજનોએ વિસ્થાપિતોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબી તાલુકાના તળાવિયા શનાળા ગામે ભારે વરસાદના કારણે ચારેય તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાતાં ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ગામના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા અનેક ઘરોમાં ગળાડૂબ પાણી ભરાઈ જવાથી જનજીવન પ્રભાવિત થયું છે.
આ ભારે પુર જેવી સ્થિતિ વચ્ચે ગામમાં એક નાગરિક ગંભીર તાવથી પીડાતા હોવાની અને બીમાર હોવાની વિગતો સામે આવી હતી. રસ્તાઓ પર પૂરા પાણી ફરી વળ્યા હોવાથી વાહનવ્યવહાર સાવ ઠપ્પ થઈ ગયો હતો. આમ છતાં, વહીવટી તંત્રના તલાટી મંત્રી, બીટ જમાદાર ફિરોજભાઈ તથા સ્થાનિક ગ્રામજનોએ પોતાની જાનની પરવા કર્યા વગર ગળાડૂબ પાણીમાં ઊતરીને બીમાર દર્દીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
ત્યારબાદ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે દર્દીને વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીમાર દર્દીને સમયસર હોસ્પિટલ પહોંચાડવાની સાથે જ, નીચાણવાળા વિસ્તારોના જે મકાનોમાં પાણી ભરાઈ ગયા હતા તે અસરગ્રસ્ત લોકોને પણ ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા સુરક્ષિત મકાનોમાં સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્ર અને ગ્રામજનોની આ સમયસૂચકતા અને સાહસિક કામગીરીને બિરૂદાવવામાં આવી રહી છે.
(9:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
