<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

૫૫ દિવસના આંદોલન બાદ ગાંધીધામના ૩૦૦ બેઘર પરિવારોની ભુજ સુધી પદયાત્રા

ઘર વિહોણા લોકો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ ધસી આવ્યા, આવાસ કે જમીન નહીં મળે તો ભૂજમાં રસ્તા રોકો આંદોલનની ચીમકી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨ :  ગાંધીધામમાં દબાણ હટાવ ઝુંબેશ બાદ ઘરવિહોણા બનેલા આશરે ૩૦૦ પરિવારોના ધીરજનો અંત આવતા ન્યાયની માંગ સાથે ગાંધીધામથી ભુજ સુધી પગપાળા કૂચ કરી હતી. મહિલાઓ અને બાળકો સહિત અંદાજે ૧૦૦૦ લોકો ભુજ કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા. છેલ્લા ૫૫ દિવસથી સ્થાનિક સ્તરે આવાસ અને જમીનની માંગ સાથે આંદોલન કરી રહેલા પરિવારોને તંત્ર તરફથી કોઈ યોગ્ય અને સાનુકૂળ નિર્ણય ન મળતાં આખરે ભુજ સુધી પગપાળા હિજરત કરવાની ફરજ પડી હોવાનું આગેવાનો દ્વારા જણાવાયું હતું. બહુજન આર્મીના સંસ્થાપક લખનભાઈ દુવાની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ઘરવિહોણા પરિવારો ભુજ પહોંચ્યા બાદ કલેક્ટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. પીડિત પરિવારોની મુખ્ય માંગ છે કે તેમને તાત્કાલિક રહેણાંક પ્લોટ ફાળવવામાં આવે અથવા પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) હેઠળ મકાનોની વ્યવસ્થા કરવામાં આવે.

દબાણ હટાવવાની કામગીરી બાદ અનેક ગરીબ પરિવારો છત વિહોણા બન્યા છે. જોકે, તેમની સમસ્યાના ઉકેલ મામલે મહાનગરપાલિકા અને કલેક્ટર તંત્ર વચ્ચે જવાબદારીની ખેંચતાણ જોવા મળી રહી છે. મનપા પોતાની માલિકીની જમીન ઉપલબ્ધ ન હોવાનું કહીને કલેક્ટર કચેરી તરફ આંગળી ચીંધે છે, જ્યારે કલેક્ટર કચેરી દ્વારા અરજીઓ ફરી મનપા તરફ મોકલવામાં આવતી હોવાનો આક્ષેપ પીડિતો કરી રહ્યા છે. બંને તંત્ર વચ્ચેની આ ખેંચતાણમાં ગરીબ પરિવારો ‘ત્રિશંકુ’ જેવી સ્થિતિમાં મુકાયા છે. ભુજ કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા આંદોલનકારીઓએ જ્યાં સુધી કલેક્ટર રૂબરૂ મળી તેમની સમસ્યાનો યોગ્ય ઉકેલ નહીં આપે ત્યાં સુધી કચેરી ખાતે જ પડાવ નાખવાની જાહેરાત કરી હતી. પીડિત પરિવારોને તાત્કાલિક વૈકલ્પિક રહેણાંક જગ્યા આપવાની માંગ સાથે આંદોલન ઉગ્ર બનાવવાની પણ ચીમકી આપવામાં આવી છે.

આગામી દિવસોમાં જો વૈકલ્પિક જગ્યા કે આવાસની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ભુજના જયુબિલી ગ્રાઉન્ડ ખાતે ચક્કાજામ કરવાની ચેતવણી પણ આંદોલનકારીઓ દ્વારા આપવામાં આવી છે.

(9:52 AM IST)