<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 30th May 2026

મુળીના દાણાવડાનો રમેશ પારઘી ગૂમ થયા બાદ કૂવામાંથી કોહવાયેલી લાશ મળીઃ હત્‍યાનો આક્ષેપ

છુટાછેડા લઇ ચુકેલો યુવાન ૨૬મીએ સવારે ઘરેથી નીકળ્‍યા પછી ગાયબ હતોઃ ગત સાંજે ખોડુ ગામના કૂવામાંથી મૃતદેહ મળતાં અરેરાટીઃ ધોરી ગામના શખ્‍સ પાસેથી લેણા નાણાની ઉઘરાણી કરતાં તેણે પતાવી દીધાની શંકાઃ ધમકીના ઓડીયો રેકોર્ડિંગ મળતાં તપાસનો ધમધમાટઃ મૃતદેહનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ

રાજકોટ તા. ૩૦: સુરેન્‍દ્રનગરના મુળી તાબેના દાણાવડા ગામે રહેતો રમેશભાઇ મોહનભાઇ પારઘી (ઉ.વ.૩૬) નામનો યુવાન ૨૬મીએ સવારે બાજુમાં રહેતાં મોટા બાપુના દિકરા બળદેવભાઇના ઘરેથી ચા-પાણી પીને કામે જવાનું કહીને નીકળ્‍યા બાદ મોડી સાંજ સુધી ઘરે ન આવતાં પરિવારજનોએ ગૂમ થયાની જાણ પોલીસને કરતાં શોધખોળ થઇ રહી હતી. આ વચ્‍ચે ગત સાંજે નજીકના ખોડુ ગામે આવેલા તળાવ અંદરના કૂવામાંથી રમેશભાઇની કોહવાયેલી દુર્ગંધયુક્‍ત લાશ મળી આવતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે. હત્‍યાની શંકા પરિવારે વ્‍યક્‍ત કરતાં પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડયો છે.

મૃત્‍યુ પામનાર રમેશભાઇ ચાર બહેન અને બે ભાઇમાં નાનો હતો. તેને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. રમેશભાઇના બે વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હોઇ તેના સંતાનો સગાના ઘરે રહે છે. પોતે એકલો રહી સેન્‍ટીંગ કામ કરતો હતો. પરિવારજનોએ જણાવ્‍યું હતું કે રમેશભાઇને નજીકના ધોરી ગામના રહેવાસી પાસેથી રૂપિયા છથી સાત લાખ લેવાના હતાં. આ રૂપિયાની રમેશભાઇ વારંવાર ઉઘરાણી કરતો હતો. હાલમાં તેને મકાન બનાવવું હોઇ છતાં સામેવાળો રૂપિયા આપતો નહોતો. થોડા દિવસ પહેલા રમેશભાઇને સામેવાળાએ રૂપિયાની ઉઘરાણી નહિ કરવાનું કહી ફોનમાં ધમકી પણ આપી હતી.

આ ધમકી અપાયા બાદ રમેશભાઇ ૨૬મીએ કામે જવા નીકળ્‍યા બાદ ગાયબ થઇ ગયા હતાં અને હવે તેની નજીકના ખોડુ ગામના તળાવમાં આવેલા કૂવામાંથી કોહવાયેલી ફુલાયેલી લાશ મળી આવી હોઇ લેણા નાણા ચુકવવા ન પડે એ માટે ધોરી ગામના શખ્‍સે હત્‍યા કરી લાશ ફેંકી દીધાની અમને શંકા છે. તેમ વધુમાં મૃતકના પરિવારજનોએ જણાવતાં મુળી પોલીસે મૃતદેહને ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ માટે રાજકોટ ખસેડી તપાસ હાથ ધરી છે. બનાવથી ગામમાં, પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

 

(10:44 AM IST)