તા. ૨૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૧ શુક્રવાર
News of Friday, 20th November 2026
વઢવાણના રામપરા ગામની પરિણિતાના આપઘાત બાદ
મૃતદેહ સ્વિકારવાનો ઇન્કારઃ પરિવારજનોની ન્યાયની માંગ બ્લેકમેઇલીંગ અને અનૈતિક સબંધ રાખવા દબાણ કરાતો હોવાનો આક્ષેપઃ નિવેદન રદ કરવાની રજુઆત સાથે ફરિયાદ પક્ષ હોસ્પિટલમાં બેસી ગયો

(ફઝલ ચોૈહાણ દ્વારા) વઢવાણ તા.૨૦: વઢવાણ તાલુકાના રામપરા ગામની પરિણીતાનું એસિડ પીધા પછી સાત દિવસની સારવાર દરમિયાન મોત થયું. પરિવારજનોએ આરોપી સામે ફરિયાદ નોંધાય અને કાર્યવાહી થાય ત્યાં સુધી મળતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. મોતને ૨૪ કલાકથી વધુ સમય વીતી ગયો છે. મળતદેહ સુરેન્દ્રનગરની મહાત્મા ગાંધી હોસ્પિટલમાં છે.
પરિવારજનોનો આક્ષેપ છે કે ગામનો એક યુવક મહિલાને બ્લેકમેઇલ કરતો હતો અને અનૈતિક સંબંધ રાખવા દબાણ કરીને માનસિક ત્રાસ આપતો હતો. પરિવારના જણાવ્યા મુજબ, આશરે એક વર્ષ પહેલાં મહિલાના ગામના અશ્વિન રામજીભાઈ કોળિયા સાથે સંપર્ક થયો હતો.
પરિવારનો દાવો છે કે ત્યારબાદ મહિલાના પતિ અને પરિવારના વડીલોની હાજરીમાં સમાધાન થયું હતું. આગળથી કોઈ સંબંધ નહીં રાખવાનું નક્કી કરાયું હતું. જોકે, દિવાળી પછી આરોપી ફરી સંબંધ રાખવા દબાણ કરતો હતો અને બ્લેકમેઇલ કરીને જીવન બરબાદ કરવાની ધમકી આપતો હતો, એવો પરિવારનો આક્ષેપ છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, ૧૦ નવેમ્બરે વહેલી સવારે આરોપી મહિલાને મળવા આવ્યો હતો. પતિએ બંનેને સાથે જોઈ લેતાં યુવક ત્યાંથી ભાગી ગયો હોવાનો પણ આક્ષેપ છે. આ પછી માનસિક ત્રાસ અને સામાજિક બદનામીના ડરથી મહિલાએ ઘરના બાથરૂમમાં રાખેલું એસિડ પી લીધું હતું. પરિવારનો વધુ એક આક્ષેપ છે કે આરોપી પક્ષના લોકોએ તેમને ડરાવી-ધમકાવીને ઘરકંકાસને કારણે ઘટના બની હોવાનું નિવેદન લખાવવા દબાણ કર્યું હતું. પરિવારજનો આ નિવેદન રદ કરીને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી રહ્યા છે.
મહિલાના મોત બાદ પરિવારજનો ન્યાયની માંગ સાથે મહાત્મા ગાંધી હોસ્પિટલમાં બેઠા છે. આરોપી સામે ફરિયાદ નોંધાય અને કાયદેસરની કાર્યવાહી થાય ત્યાં સુધી મળતદેહ નહીં સ્વીકારવાની તેમની માંગ છે.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
