News of Saturday, 25th April 2026
ગુજરાતમાં આગામી ૩ દિવસ ‘અગ્નિપરીક્ષા': આજથી ત્રણ દિવસ આકાશમાંથી અગનગોળા વરસશે, પારો ૪૫ ડિગ્રીને આંબશે!

રાજકોટ : ગુજરાતભરમાં આગામી ૭૨ કલાક અત્યંત ગંભીર રહેવાના છે. વેધર એનાલીસ્ટ નિતેશ વડાવીયાના મતે, તા. ૨૫ થી ૨૭ એપ્રિલ (શનિ, રવિ, સોમ) દરમિયાન સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમસીમા પર હશે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તાપમાનનો પારો ૪૨ ડિગ્રીથી વધીને ૪૫ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની દહેશત છે, જે સામાન્ય જનજીવનને ખોરવી શકે છે.
વેધર એનાલિસ્ટ નિતેષ વડાવીયાએ આપેલી ખાસ વિગતો મુજબ, શનિવાર, રવિવાર અને સોમવાર એમ ત્રણ દિવસ સૂર્યદેવ પોતાનો આકરો મિજાજ બતાવશે. જેમાં ખાસ કરીને તા. ૨૬ એપ્રિલ એટલે કે રવિવારનો દિવસ સૌથી વધુ ગરમ રહેશે. આ દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લૂ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
રાજ્યમાં ચૂંટણીના માહોલ વચ્ચે મતદાનના દિવસે આકરા તાપને કારણે મતદારોએ ભારે અગવડતાનો સામનો કરવો પડશે. બપોરના સમયે તાપમાનના આકરા સ્તરને કારણે ઘરની બહાર નીકળતા લોકો ‘આકળ-વિકળ' થઈ જશે.
વેધર એનાલીસ્ટ નિતેષ વડાલીયાનું વિશ્લેષણ : ‘‘હાલની સ્થિતિ જોતાં ૨૫ થી ૨૭ એપ્રિલ દરમિયાન હીટવેવની આગાહી છે. લોકોએ બપોરના સમયે ખૂબ સાવચેતી રાખવી. જોકે, રાહતની વાત એ છે કે તા. ૨૮ એપ્રિલથી પવનની ગતિ અને દિશામાં ફેરફાર થતા ગરમીમાં ૪ થી ૫ ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે. ૧ મે સુધી તાપમાન ૩૯ થી ૪૧ ડિગ્રીની આસપાસ આવી જશે, જે લોકોને હાશકારો અપાવશે.''(૪૧.૩)
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
