News of Sunday, 12th July 2026
જામનગર પંચકોષી એ.ડિવી.ના ઘરફોડ ચોરીના ગુન્હામાં એક વર્ષથી નાસતા-ફરતા એમ.પી.ના આરોપીઓ અજય અજનાર અને વિજયભાઈ વાસ્કેલ ગંધવાનીથી ઝડપાયા
રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયનાં માર્ગદર્શન માં પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલની ટીમના પો.સબ.ઇન્સ. પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એ.કાંટેલીયા અને પી.એ.ચૌહાણની ટીમે ટેકનિકલ એનાલીસીસની મદદથી આદરેલા ઓપરેશનમાં બે શાતિર ગુનેગારો જેલહવાલે

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: નાસતા-ફરતા રીઢા ગુનેગારોને પકડી પાડવા માટે રાજકોટ રેન્જ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી સઘન ઝુંબેશ અંતર્ગત એક બહુ મોટી સફળતા હાથ લાગી છે. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) રાજકોટ વિભાગનાઓ દ્વારા રેન્જ હસ્તકના તેમજ અન્ય જિલ્લાઓમાં ગંભીર ગુન્હાઓ આચરીને નાસતા-ફરતા રહેલા આરોપીઓને શોધી કાઢી કાયદાના સિકંજામાં લાવવા માટે કડક આદેશો આપવામાં આવ્યા છે. જેના ભાગરૂપે સ્પેશિયલ ઓપરેશન પાર પાડીને જામનગર જિલ્લાના પંચકોષી એ.ડિવીઝન પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપી રહેલા બે વોન્ટેડ આરોપીઓને મધ્યપ્રદેશ ખાતેથી દબોચી લેવામાં આવ્યા છે.
હ્યુમન સોર્સ અને ટેકનિકલ એનાલીસીસની મદદથી મળ્યું મહત્વનું લોકેશન:
આ સફળ ઓપરેશન રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર અપૂર્વ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રેન્જના પોલીસ સબ ઇન્સ્પેક્ટરો પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તેમજ તેમના ચુનંદા સ્ટાફ દ્વારા નાસતા-ફરતા ગુનેગારોના સગડ મેળવવા માટે હ્યુમન સોર્સના સચોટ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા આ મામલે દિવસો સુધી સઘન વર્કઆઉટ અને આધુનિક ટેકનિકલ એનાલીસીસ કરવામાં આવી રહ્યું હતું.
આ સંયુક્ત તપાસ અને સર્વેલન્સ દરમિયાન ચોક્કસ કડીઓ મળતા જ રાજકોટ રેન્જના પો.સ.ઈ. પી.એ.ચૌહાણ, સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ અને ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટીમે કાયદાકીય જાળ બિછાવી મધ્યપ્રદેશ ભણી કૂચ કરી હતી.
મધ્યપ્રદેશના ગંધવાની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરાઈ ધરપકડ:
પોલીસ ટીમે મળેલી સચોટ હકીકતના આધારે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલા ગંધવાની પોલીસ સ્ટેશનની હદમાં સ્થાનિક પોલીસની મદદથી રેઇડ કરીને બંને આરોપીઓને હસ્તગત કર્યા હતા. પકડાયેલા આરોપીઓની વિગત નીચે મુજબ છે:
આરોપી (૧): અજય સુરપાલ અજનાર (રહેવાસી: ગામ-સાતઉમરી, તાલુકો-ગંધવાની, જિલ્લો-ધાર, મધ્યપ્રદેશ).
આરોપી (૨): વિજયભાઈ બચકાભાઇ વાસ્કેલ (રહેવાસી: ગામ-મોહનપુર, તાલુકો-ગંધવાની, જિલ્લો-ધાર, મધ્યપ્રદેશ).
આ બંને પકડાયેલા આરોપીઓ જામનગર જિલ્લાના પંચકોષી એ.ડિવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુન્હા રજિસ્ટર નંબર ૦૭૮૮/૨૦૨૫ ના બી.એન.એસ. (ભારતીય ન્યાય સંહિતા) કલમ-૩૩૧(૪) અને ૩૦૫(એ) મુજબના ઘરફોડ ચોરીના ગંભીર ગુન્હામાં છેલ્લા બાર મહિનાથી વોન્ટેડ હતા.
આગળની ઘટીત કાર્યવાહી માટે જામનગર પોલીસને સોંપાયા:
આંતરરાજ્ય કક્ષાએ ગુપ્ત ઓપરેશન ચલાવીને મધ્યપ્રદેશના ધાર જિલ્લા ખાતેથી રાઉન્ડઅપ કરાયેલા બંને આરોપીઓ અજય અજનાર અને વિજયભાઈ વાસ્કેલને રાજકોટ રેન્જની ટીમ દ્વારા ગુજરાત લાવવામાં આવ્યા છે. પ્રાથમિક પૂછપરછ અને કાગળો તૈયાર કર્યા બાદ આગળની કાયદેસરની ઘટીત કાર્યવાહી કરવાના હેતુસર બંને આરોપીઓનો કબ્જો જામનગર જિલ્લાના પંચકોષી એ.ડિવીઝન પોલીસ સ્ટેશનને સત્તાવાર રીતે સોંપી દેવામાં આવ્યો છે. જામનગર પોલીસ દ્વારા હવે આ ચોરીના કૌભાંડમાં અન્ય કોઈ સ્થાનિક સાગરીતો સામેલ છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ આદરવામાં આવશે.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
