<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 16th November 2026

સર્વોત્તમ ડેરીમાં અખિલ ભારતીય સહકાર સપ્તાહની ઉજવણી : સિહોર ખાતે પશુપાલકો અને બહેનોના ઉત્થાન પર વિશેષ ભાર

દાણ ફેક્ટરી મુકામે યોજાયેલા કાર્યક્રમમાં સફળ પશુપાલકોએ અનુભવો વર્ણવ્યા : સેક્સ સોર્ટેડ સીમેન ડોઝ અને આધુનિક પશુપાલનથી દૂધ ઉત્પાદન વધારવા અંગે માર્ગદર્શન અપાયું

સિહોર: અખિલ ભારતીય સહકાર સપ્તાહની ત્રીજા દિવસની ઉજવણીના ભાગરૂપે સર્વોત્તમ દાણ ફેક્ટરી, મુસાપર, તા. સિહોર ખાતે સર્વોત્તમ ડેરી દ્વારા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી, ડાયરેક્ટરો, અધિકારીગણ તેમજ સંયોજિત મંડળીઓના પ્રમુખ, મંત્રી અને કમિટી સભ્યોની વિશાળ ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં કળસાર ગામના સફળ પશુપાલક મનસુખભાઈ જોળિયાએ પોતાના આધુનિક પશુપાલનના અનુભવો જણાવતા કહ્યું કે તેઓ ૧૦ પશુઓ ધરાવે છે અને દરેક પશુ દૈનિક ૧૪ થી ૧૫ લીટર દૂધ આપે છે. દેવગાણા ગામના પશુપાલક અને મંડળીના ટેસ્ટર દિલીપભાઈ ચૌહાણે જણાવ્યું કે તેઓ ૧૫ થી ૧૭ પશુઓ ધરાવે છે અને તમામ પશુઓમાં સેક્સ સીમેન ડોઝથી જ બીજદાન કરાવે છે. કળસારના એઆઈ વર્કર રજનીભાઈ વાળાકીએ આ વર્ષે ૬૦૦ થી વધુ સેક્સ સોર્ટેડ સીમેન ડોઝ મૂક્યા હોવાનું જણાવી તેનાથી પશુપાલકોને વધુ દૂધ ઉત્પાદન અને ઉત્તમ પાડી-વાછરડી મળતી હોવાની માહિતી આપી હતી.

ડેરીના ચીફ જનરલ મેનેજર યોગેશકુમાર જોષીએ જણાવ્યું કે સાદા ડોઝમાં ૫૦ ટકા જ્યારે સેક્સ સોર્ટેડ સીમેન ડોઝથી ૮૮ થી ૯૦ ટકા પાડી કે વાછરડી આવે છે, જેથી પશુપાલકોએ આધુનિક ડોઝનો આગ્રહ રાખવો જોઈએ. ડાયરેક્ટર રાણાભાઇ કાળોતરાએ કરકસરપૂર્ણ વહીવટથી પશુપાલકોને મળતા સારા વળતરની વાત કરી હતી. મૂળરાજભાઇ પરમારે પશુપાલન વ્યવસાયમાં બહેનોની મુખ્ય ભૂમિકા હોવાથી તેઓ આર્થિક રીતે પગભર બનતી હોવાનું જણાવી આવા સેમિનારોથી મહિલાઓમાં જાગૃતિ વધતી હોવાનું જણાવ્યું હતું.

ડેરીના સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ જણાવ્યું હતું કે ખેતીમાં ખાતર, બિયારણ અને દવાઓનો ખર્ચ વધવા છતાં પાકના યોગ્ય ભાવ ન મળવાથી નુકસાન જાય છે, જ્યારે સર્વોત્તમ ડેરી પશુપાલકોને ઊંચા ખરીદ ભાવ આપીને નિયમિત અને બાંધી આવક પૂરી પાડે છે. વ્યાજબી ભાવે અને ઉત્તમ ગુણવત્તાવાળું ખાણદાણ સર્વોત્તમ દાણ ફેક્ટરીમાં જ તૈયાર થતું હોવાથી પશુપાલકોને મોટો આર્થિક ફાયદો થાય છે. અંતે મંડળીના સહયોગથી પશુપાલકોનું જીવનધોરણ ઊંચું આવે અને બહેનો સ્વમાનભેર જીવી શકે તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)

(11:26 PM IST)