તા. ૨૩ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા વદ -૬, સોમવાર
એલ્યુમિનિયમ વાયરની ચોરીનો ચોટીલા પંથકમાં પર્દાફાશ : સુરેન્દ્રનગર એલસીબીને સફળતા
રૂ.૧.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જેઃ ચોટીલા અને વાંકાનેર વિસ્તારના શખ્સો પોલીસના સકંજામાં

(જીજ્ઞેશ શાહ દ્વારા) ચોટીલા, તા. ૧૬: રાજકોટ રેન્જ આઈ.જી નિર્લિપ્ત રાય ની સૂચના તથા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ ના માર્ગદર્શન હેઠળ એલસીબી ની ટીમે ગુનાની તપાસ હાથ ધરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસને આગળ ધપાવી પોલીસને આ સફળતા મળી હતી. તપાસ દરમિયાન પીએસઆઇ બી.એસ. શિંગરખિયા તથા પીએસઆઇ આર.જે. ગોહિલ તથા એન. એ. રાયમાં ને મળેલી બાતમીના આધારે પોલીસે વિદેશી એલ્યુમિનિયમના જાડા ઇલેક્ટ્રિક વાયરના બંડલ તથા વાયરના ટુકડાઓ સહિતનો જથ્થો કબજે કર્યો હતો. આ મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. ૧,૮૦,૦૦૦ હોવાનું જાણવા મળ્યું છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણ શખ્સોને ઝડપી પાડી તેઓની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વાયર ચોરી સબબ પોલીસે ચોટીલાના રાજપરા ગામના જુગેશ વિહાભાઈ બાવળિયા તેમજ વિનયગઢ તા. વાકાનેર ના કિશન વેલાભાઈ ધોરિયા, અને રણજીત બચુભાઈ ગણાદીયા ને ઝડપી પાડી પકડેલ મુદ્દામાલ અંગે તપાસ હાથ ધરેલ છે. કબજે કરાયેલા મુદ્દામાલમાં એલ્યુમિનિયમના જાડા ઇલેક્ટ્રિક વાયરના બંડલ તથા વાયરના ટુકડાઓનો સમાવેશ થાય છે. પોલીસે ચોરીના ગુનાની તપાસ આગળ ધપાવી છે અને ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વાયર ચોરી ઝડપી પાડવા અંગેની કામગીરીમાં એલસીબી ટીમનાં હેડ કોન્સ્ટેબલ દેવરાજભાઇ જોગરાજીયા, મુન્નાભાઇ રાઠોડ, કુલદીપભાઈ બોરીચા, વજાભાઇ સાનીયા, હિતેશભાઈ ડાભી એક મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના સંકલિત પ્રયાસોથી ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસની આ કાર્યવાહી મિલકત સંબંધિત ગુનાઓ સામે કડક પગલાં ભરવાની દિશામાં મહત્વપૂર્ણ બની છે. ચોરીના ગુનાનો પર્દાફાશ કરી રૂ. ૧.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કરાતાં પોલીસની કામગીરીને સફળતા મળી છે.(તસ્વીરઃ હેમલ શાહ)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
