News of Tuesday, 10th November 2026
મોરબીના અણીયારી નજીક જીવિત પાડાઓ ભરેલ આઈસર ટ્રક ઝડપાયો.
ગૌરક્ષકોએ બાતમીના આધારે ૩૯ પશુઓના જીવ બચાવ્યા, અમદાવાદના આઇશર ટ્રક ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : માળીયા-હળવદ હાઇવે રોડ પર આવેલા અણીયારી ગામના પાટીયા પાસેથી ગૌરક્ષકોએ બાતમીના આધારે કચ્છથી પશુઓ ભરી અમદાવાદ જતા આઇશર ટ્રકને ઝડપી લઈ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ગૌસેવકોએ આઈસર ટ્રકમાં ઘાસચારા કે પાણીની સગવડ વગર, ક્રૂરતાપૂર્વક દોરડાથી બાંધીને લઈ જવાતા ૩૯ પાડાઓને બચાવી પાંજરાપોળ ખાતે મોકલી આપ્યા હતા.
મોરબી ખાતે રહેતા ગૌરક્ષક અનિલભાઈ નરશીભાઈ અસ્વારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, ગતરાત્રીના ગૌરક્ષકોને બાતમી મળી હતી કે કચ્છથી અમદાવાદ તરફ એક આઇશર ટ્રક નંબર GJ-01-CU-9128 પશુઓ ભરીને જઈ રહી છે. આ બાતમીના આધારે રાત્રિના દોઢેક વાગ્યાના સુમારે અણીયારી પાટીયા પાસે શંકાસ્પદ જણાતી આઇશર ટ્રકને અટકાવીને તપાસ કરતા વાહનની પાછળ પતરું લગાવી અંદર ૩૯ ભેંસના જીવતા પાડાઓ રાખવામાં આવ્યા હતા.
જેને પગલે ગૌસેવકોએ આરોપી ટ્રક ચાલક જાવીદ જાકીર શાહ ઉ.૨૮, રહે. બહેરામપુરા, અમદાવાદ વાળાને મોરબી તાલુકા પોલીસને સોંપી આપ્યો હતો.પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી પાસે પશુઓની હેરાફેરી માટે તેની પાસે કોઈ પાસ, પરમિટ કે આધાર પુરાવા ન હતા. પોલીસે એક જીવિત પાડાની કિંમત રૂ. ૪, ૦૦૦ લેખે કુલ ૩૯ પશુઓની કિંમત રૂ. ૧,૫૬,૦૦૦ તથા આઇશર ટ્રકની કિંમત રૂ. ૭,૦૦, ૦૦૦ ગણીને કુલ રૂ. ૮,૫૬,૦૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે પશુઓ પ્રત્યેનો ઘાતકીપણું અટકાવવાના અધિનિયમની કલમ મુજબ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે
(3:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
