News of Friday, 25th September 2026
૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર દરમિયાન કચ્છમાં ‘આંગણોત્સવ’: પોષણથી બાળવિકાસ સુધીની વિવિધ પ્રવૃત્તિઓ યોજાશે
’સુપોષિત બાળક, સ્વસ્થ પરિવાર, સશક્ત સમાજ’ના સંદેશ સાથે ૩ ઓક્ટોબર સુધી આંગણવાડી કેન્દ્રો બનશે જાગૃતિ અને ઉત્સવનું કેન્દ્ર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૫ : કચ્છ જિલ્લા પંચાયત અને ગાંધીધામ મહાનગરપાલિકા સંચાલિત આઈ.સી.ડી.એસ. (ICDS) શાખા દ્વારા ‘સુપોષિત બાળક, સ્વસ્થ પરિવાર, સશક્ત સમાજ’ના મંત્ર સાથે સમગ્ર કચ્છ જિલ્લામાં તા. ૨૫ સપ્ટેમ્બરથી ૩ ઓક્ટોબર, ૨૦૨૬ દરમિયાન ‘આંગણોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું છે. આંગણવાડી કેન્દ્રોની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા તેમજ પોષણ, આરોગ્ય અને બાળવિકાસનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાના હેતુથી યોજાનારા આ ઉત્સવમાં માતાઓ, બાળકો, કિશોરીઓ સહિત નાગરિકોને બહોળી સંખ્યામાં જોડાવા અપીલ કરવામાં આવી છે. આંગણોત્સવ દરમિયાન બાળકોને ફળ અને ટેક હોમ રાશન (THR)નું વિતરણ, માતાઓ અને કિશોરીઓને ICDSની વિવિધ યોજનાઓ તથા આંગણવાડી સેવાઓ અંગે માર્ગદર્શન, તેમજ પોષણની સ્થિતિમાં સુધારો કરનાર અને નિયમિત હાજરી આપનાર બાળકોને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. બાળકો અને કિશોરીઓ દ્વારા વિશ્વ રેકોર્ડ માટે ચિત્રકામ પ્રવૃત્તિમાં પણ ભાગ લેવામાં આવશે. આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા પ્રમાણપત્રોનું વિતરણ પણ કરાશે.
આ ઉપરાંત આંગણવાડીમાં ઉપયોગમાં લેવાતા ગ્રોથ મોનિટરિંગ ડિવાઇસ, સાડી, યુનિફોર્મ, પુસ્તકો, રમકડાં અને THRના સ્ટોલનું પ્રદર્શન યોજાશે. ફળ-શાકભાજીની રંગોળી, ICDS સેવાઓ દર્શાવતા પેપર તોરણ તેમજ બાળકો માટે ફ્રોગ રેસ, દોડ અને લીંબુ-ચમચી જેવી રમતગમતની મનોરંજક પ્રવૃત્તિઓ પણ યોજાશે. જિલ્લા પંચાયત-ભુજ દ્વારા આરોગ્ય, શિક્ષણ અને સુપોષણનો સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચે અને ‘આંગણોત્સવ’ને સફળતા મળે તે માટે જિલ્લાના તમામ ગ્રામજનો, માતાઓ, બાળકો, કિશોરીઓ અને લાભાર્થીઓને ઉત્સાહપૂર્વક સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો છે.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
