News of Saturday, 20th June 2026
જામનગરમા આઇ-ખેડૂત પોર્ટલ પર બાગાયત ખાતાની નવી યોજનાઓ માટે અરજીની તારીખ લંબાઈ, હવે તા. 9 જુલાઈ સુધી ખેડૂતો ઓનલાઇન અરજી કરી શકશે
બહુસ્તરીય પાક વાવેતર અને ફિલ્ડ કવર યોજનાનો મહત્તમ લાભ લેવા જિલ્લાના બાગાયતદારોને અનુરોધ; આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત, સમયસર નોંધણી અને દસ્તાવેજ અપલોડ કરવા સૂચના

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ : ગુજરાત સરકારના બાગાયત ખાતા હેઠળ ચાલુ વર્ષ 2026-27 માટે શરૂ કરવામાં આવેલી નવી યોજનાઓનો જિલ્લાના બાગાયતદાર ખેડૂતો મહત્તમ લાભ લઈ શકે તે માટે 'આઇ-ખેડૂત પોર્ટલ 2.0' પર અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી છે. અગાઉ તા. 19/06/2026 સુધીની મુદત હતી, જે હવે વધારીને તા. 09/07/2026 સુધી કરવામાં આવી છે.
ચાલુ વર્ષે બાગાયત ખાતા દ્વારા મુખ્ય બે નવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં બહુસ્તરીય પદ્ધતિથી ફળ પાકોનો વાવેતર વિસ્તાર વધારવાનો કાર્યક્રમ અને ફળપાકોમાં ફિલ્ડ કવર થકી ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવાનો કાર્યક્રમ સામેલ છે. આ યોજનાઓથી ખેડૂતોની આવકમાં વધારો અને ઉત્પાદનની ગુણવત્તા સુધારવાનો હેતુ છે.
યોજનાનો લાભ મેળવવા ખેડૂતોએ સૌપ્રથમ આઇ-ખેડૂત પોર્ટલ 2.0 પર નોંધણી કરાવવી ફરજિયાત છે. ત્યારબાદ જ ઓનલાઇન અરજી કરી શકાશે. વર્ષ 2026-27થી પોર્ટલ પર અગાઉ નોંધણી કરાવેલ અને નવા નોંધણી થનાર તમામ ખેડૂતો માટે આધાર ઓથેન્ટિકેશન ફરજિયાત કરવામાં આવ્યું છે. આધાર ઓથેન્ટિકેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે.
અરજી કરતી વખતે માંગ્યા મુજબના તમામ જરૂરી આધાર-પુરાવા અને કાગળો પોર્ટલ પર અપલોડ કરી અરજી કન્ફર્મ કરવાની રહેશે. ખેડૂતોએ અરજી કન્ફર્મ થયા બાદ તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે સાચવી રાખવાની રહેશે. યોજનાની વહીવટી મંજૂરી મળ્યા બાદ, ખેડૂતોએ ક્લેઇમ સબમિટ કરતી વખતે આ પ્રિન્ટ પર સહી કરી, જરૂરી સાધનિક કાગળો સાથે 7 દિવસમાં જિલ્લાની નાયબ બાગાયત નિયામકની કચેરીએ જમા કરાવવાની રહેશે.
યોજના અંગે વધુ વિગતો માટે ખેડૂતો પોતાના તાલુકાના બાગાયત અધિકારીનો સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત આઇ-ખેડૂત પોર્ટલની સત્તાવાર વેબસાઇટ http://www.ikhedut.gujarat.gov.in પર માહિતી મેળવી શકાશે. રૂબરૂ કે ટેલિફોનિક માહિતી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, જિલ્લા સેવા સદન-4, પ્રથમ માળ, રૂમ નં. 48, સુભાષ પુલ પાસે, જામનગર ફોન નં. 0288-2571565 પર સંપર્ક કરવો.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
