<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st November 2026

કચ્છના આદિપુરમાં ૧૧ વર્ષીય બાળકી સાથે બબ્બે વખત દુષ્કર્મ આચરનારની ધરપકડ

ચોકલેટ, બિસ્કિટ અને લાડુની લાલચ આપી દુષ્કર્મ આચર્યું : આરોપી દેવ સોનારના દુષ્કૃત્ય ઉપર લોકોમાં ભારે ફીટકાર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૧ :  કચ્છના આદિપુરના બારવાળી વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં એક શખ્સે ૧૧ વર્ષીય બાળકીને ચોકલેટ, બિસ્કિટ અને લાડુ જેવી ખાવાની વસ્તુઓની લાલચ આપી તેની સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે આદિપુર પોલીસે ગુનો નોંધી આરોપી દેવ ધનબહાદુર સોનારની ધરપકડ કરી છે.

મળતી માહિતી મુજબ, આ બનાવ ગત તા. ૧૫/૧૧ અને ૧૮/૧૧ના રોજ બપોરના સમયે બન્યો હતો. બાળકીનાં માતા-પિતા ઘેર હાજર ન હોય ત્યારે આરોપી તેમના ઘરે આવતો હતો અને બાળકીને લાડુ, ચોકલેટ તથા બિસ્કિટ આપવાની લાલચ આપી પોતાની પાસે બોલાવતો હતો. આ દરમિયાન આરોપીએ બાળકી સાથે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદમાં વિગતો સામે આવી છે.

આરોપીએ બાળકી આ અંગે કોઈને જાણ ન કરે તે માટે તેને તથા તેના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જોકે, સમગ્ર ઘટનાની જાણ બાળકીના પરિવારજનોને થતાં તેમણે આદિપુર પોલીસ મથકનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી આરોપી ઢગાને ઝડપી પાડ્યો છે. લોકોમાં તેના દુષ્કૃત્ય સામે ધિક્કાર અને ફીટકારની લાગણી છે.

(9:29 AM IST)