<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

જૂનાગઢમાં ગિરનાર લીલી પરિક્રમા માટે આજે વહેલી સવારે ગેટ ખુલતા જ ભાવિકોનો મહાપ્રવાહ : અંબાજી મંદિર પરિસરમાં હૈયે હૈયું દળાય તેટલી ભીડ : જુઓ વિડીયો

આજે સવારે 6 વાગ્યે પરિક્રમાના પ્રવેશદ્વારો ખુલ્યા : રાત્રિથી આવેલા ભાવિકો ગિરનાર પર ચઢ્યા, પ્લાસ્ટિકમુક્ત પરિક્રમા માટે વન વિભાગની 13 સ્ક્વોડ, 200 કર્મચારી તૈનાત

( વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૦ : જુનાગઢ ગિરનાર પર્વત ઉપરથી આજરોજ વહેલી સવારથી પરિક્રમાની ભારે ભીડ જોવા મળી રહી છે. પરિક્રમા આજે રાતથી શરૂ થવાની હતી, પરંતુ આજે વહેલી સવારે છ વાગ્યે ગેટ ખુલી જતા રાત્રિના આવી ગયેલા ભાવિકો ગિરનાર ઉપર જય ચઢ્યા હતા.

અંબાજી મંદિર પરિસર ખાતે હૈયે હૈયું દળાય તેટલી માનવમેદની ઉમટી પડી હતી. અત્યારના લાઈવ દ્રશ્યોમાં પણ અંબાજી મંદિર પરિસર ખાતે ભાવિકોનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે. જય ગિરનારી, જય અંબેના નાદ સાથે ભાવિકો પરિક્રમા માર્ગે આગળ વધી રહ્યા છે.

આજે સવારથી ગિરનાર લીલી પરિક્રમાના પ્રવેશદ્વારો શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. લાખો શ્રદ્ધાળુઓની અવરજવર વચ્ચે ગિરનાર વન્યજીવ અભયારણ્યને પ્લાસ્ટિકમુક્ત રાખવાના સંકલ્પ સાથે વન વિભાગની 13 એન્ટી-પ્લાસ્ટિક સ્ક્વોડ, અંદાજે 200 જેટલા કર્મચારીઓ સાથે, સતત કાર્યરત છે.

પરિક્રમાના પ્રવેશદ્વારો પર ચેકિંગ દરમિયાન પ્લાસ્ટિકની વસ્તુઓ એકત્ર કરવામાં આવી રહી છે, તેમજ પરિક્રમા માર્ગ પરથી પણ મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવામાં આવી રહ્યો છે. શ્રદ્ધાળુઓને પર્યાવરણને અનુકૂળ થેલીઓનું વિતરણ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.

ગિરનાર માત્ર શ્રદ્ધાનું કેન્દ્ર જ નહીં, પરંતુ અમૂલ્ય વન્યજીવ અને કુદરતી વારસો પણ છે. પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિકની થેલીઓ, બોટલો કે અન્ય પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીએ, પ્લાસ્ટિકનો કચરો વનમાં ન ફેંકીએ અને સ્વચ્છતા જાળવવામાં સહભાગી બનીએ, એવો વન વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

આપણી શ્રદ્ધા સાથે પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી પણ નિભાવીએ અને ગિરનારને સ્વચ્છ, સુંદર તથા પ્લાસ્ટિકમુક્ત રાખીએ, એવો સંકલ્પ સાથે મળીને કરીએ.( તસવીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(3:05 PM IST)