News of Monday, 25th May 2026
ભાવનગર જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ત્રાપજ બેઠકના સભ્ય અશોક લાધવાની સર્વાનુમતે વરણી
ઉપપ્રમુખ પદ માટે ઉમરાળા બેઠકના સુજાનસિંહ ગોહિલની પસંદગી :કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રદીપ રાઠોડની વરણી કરાઈ

ભાવનગર જિલ્લા પંચાયતમાં નવી ટીમની વરણી, અશોક લાધવા પ્રમુખ બન્યા, જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી બાદ આજે પ્રથમ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી સમિતિના ચેરમેન સહિતના હોદ્દેદારોની વિધિવત વરણી કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર ડૉ. મનીષ બંસલની અધ્યક્ષતામાં પંચાયત અધિનિયમ મુજબ આ પ્રક્રિયા સંપન્ન કરવામાં આવી હતી.
તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે 40 માંથી 36 બેઠકો પર વિજય મેળવી સ્પષ્ટ બહુમતી સાથે સત્તા હાંસલ કરી હતી. જ્યારે કોંગ્રેસને 2 બેઠકો અને અપક્ષ ઉમેદવારોને 2 બેઠકો મળી હતી. જિલ્લા પંચાયતનો અગાઉનો કાર્યકાળ પૂર્ણ થતાં વહીવટી સત્તા જિલ્લા કલેક્ટર પાસે સોંપવામાં આવી હતી. ત્યારે આજે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં ભાવનગર જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ત્રાપજ બેઠકના સભ્ય અશોક લાધવાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. જ્યારે ઉપપ્રમુખ પદ માટે ઉમરાળા બેઠકના સુજાનસિંહ ગોહિલની પસંદગી કરવામાં આવી હતી. ઉપરાંત કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રદીપ રાઠોડની વરણી કરવામાં આવી હતી.
વરણી બાદ નવા હોદ્દેદારોએ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના વિકાસને પ્રાથમિકતા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગ્રામ વિકાસ, પીવાનું પાણી, માર્ગ સુવિધા, શિક્ષણ અને આરોગ્ય જેવી મૂળભૂત સેવાઓને વધુ મજબૂત બનાવવાના પ્રયાસો કરવામાં આવશે. નવી ટીમની વરણી સાથે ભાવનગર જિલ્લા પંચાયતમાં આગામી પાંચ વર્ષ માટેના વિકાસ કાર્યોને નવી દિશા અને ગતિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખની વરણી બાદ જિલ્લા ભાજપ પ્રમુખ સહિતના આગેવાનોએ ફૂલહાર પહેરાવી મોં મીઠાં કરી શુભેચ્છાઓ આપી હતી.
(2:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
