News of Friday, 25th September 2026
અંડાશયના કેન્સર સામે જાગૃતિ અને વહેલું નિદાન મહત્વનું
અદાણી સંચાલિત કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલના તબીબોની ઓવેરિયન કેન્સર સામે સલાહ, પેટમાં સતત રહેતો ફુલાવો કે દુઃખાવાને અવગણશો નહીં

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫ : સપ્ટેમ્બર માસને વિશ્વ અંડાશય (ઓવેરિયન) કેન્સર જાગૃતિ માસ તરીકે મનાવવામાં આવે છે. મહિલાઓમાં જોવા મળતા વિવિધ કેન્સરમાં ગર્ભાશયના કેન્સર અને ગર્ભાશયના મુખના કેન્સરની સાથે અંડાશયનું કેન્સર પણ મહત્વનું છે. અંડાશયના કેન્સર અંગે જાગૃતિ વધારવા અને વહેલા નિદાનને પ્રોત્સાહિત કરવાના હેતુથી અદાણી સંચાલિત GAIMS જી. કે. જનરલ હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગ દ્વારા મહિલાઓને શરીરમાં જોવા મળતા સતત અને અસામાન્ય ફેરફારોને અવગણવા નહીં તેવી અપીલ કરવામાં આવી છે. સ્ત્રીના શરીરમાં ગર્ભાશયની બંને બાજુ આવેલા બે નાના અંડાશયના કોષો અનિયંત્રિત રીતે વધવા લાગે ત્યારે અંડાશયનું કેન્સર થઈ શકે છે. આ કેન્સરની મુશ્કેલી એ છે કે શરૂઆતના લક્ષણો ઘણીવાર ગેસ, અપચો અથવા પાચનતંત્રની સામાન્ય તકલીફ જેવા જણાતા હોવાથી તેને ગંભીરતાથી લેવામાં આવતા નથી. આ અંગે સ્ત્રીરોગ વિભાગના ડૉ. ચાર્મી પાવાણી અને ડૉ. ધર્મી વેલાણીએ જણાવ્યું હતું કે, પેટમાં સતત ફૂલાવો થવો અથવા પેટનો ઘેરાવો વધવો, પેટના નીચેના ભાગમાં કે પેલ્વિસ વિસ્તારમાં દુખાવો થવો, થોડું જ ખાધા પછી પેટ ભરાઈ ગયેલું લાગવું તેમજ વારંવાર અથવા તાત્કાલિક પેશાબ કરવાની જરૂરિયાત જેવા ફેરફારોને અવગણવા નહીં.તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મળત્યાગની આદતમાં ફેરફાર, જેમ કે કબજિયાત, કોઈ સ્પષ્ટ કારણ વિના વજન ઘટવું અથવા ભૂખ ઓછી થવી, સતત થાક લાગવો અને ખાસ કરીને મેનોપોઝ પછી અસામાન્ય યોનિ રક્તસ્રાવ જેવા સંકેતો પણ ધ્યાનમાં લેવા જરૂરી છે. જોકે, આવા લક્ષણો જોવા મળે એટલે અંડાશયનું કેન્સર જ છે એવું જરૂરી નથી, કારણ કે આ પ્રકારની તકલીફો અન્ય ઘણી સામાન્ય બીમારીઓમાં પણ જોવા મળી શકે છે. પરંતુ જો લક્ષણો સતત રહેતા હોય, વારંવાર થતા હોય અથવા સમય જતાં વધતા જાય તો ડૉક્ટરની સલાહ લેવી અત્યંત મહત્વપૂર્ણ છે.
અંડાશયના કેન્સરના જોખમ અંગે તબીબોએ જણાવ્યું હતું કે વધતી ઉંમર સાથે જોખમ વધી શકે છે. ખાસ કરીને પરિવારમાં સ્તન અથવા અંડાશયના કેન્સરનો મજબૂત ઇતિહાસ હોય તો આ બાબતની જાણ ડૉક્ટરને કરવી જોઈએ. આવી કેટલીક મહિલાઓ માટે તબીબી સલાહ મુજબ જિનેટિક કાઉન્સેલિંગ અને જિનેટિક ટેસ્ટિંગ યોગ્ય બની શકે છે. જોકે, કોઈ જાણીતા જોખમી પરિબળો ન હોય તેવી મહિલાને પણ અંડાશયનું કેન્સર થઈ શકે છે. અંડાશયનું કેન્સર દરેક કિસ્સામાં અટકાવી શકાય તેવી કોઈ ચોક્કસ રીત નથી. તેથી મહિલાઓએ પોતાના શરીરમાં થતા અસામાન્ય ફેરફારો પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે. ખાસ કરીને સતત પેટ ફૂલવું, પેટમાં દુખાવો, પાચનતંત્રની તકલીફો અથવા અન્ય લક્ષણોને માત્ર ગેસ, એસિડિટી, અપચો કે ઉંમર વધવાની સામાન્ય અસર માનીને લાંબા સમય સુધી અવગણવા નહીં. સમયસર તબીબી સલાહ, યોગ્ય તપાસ અને વહેલું નિદાન અંડાશયના કેન્સર સામેની લડતમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વિશ્વ અંડાશય કેન્સર માસ નિમિત્તે હોસ્પિટલના સ્ત્રીરોગ વિભાગે મહિલાઓને એક જાગૃતિ સંદેશ આપતાં જણાવ્યું હતું કે “લક્ષણોને ઓળખો, અવગણશો નહીં અને સમયસર તબીબી સલાહ લો.” મહિલાઓમાં અંડાશયના કેન્સર અંગેની જાગૃતિ વધારવા અને કોઈ પણ મહિલા નિદાનથી પાછળ ન રહી જાય તે માટે વહેલી તકે તબીબી માર્ગદર્શન મેળવવું જરૂરી છે.
(9:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
