<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

કેશોદમાં ચૂંટણી આડે માંડ એક રાત બાકીઃ ઉમેદવારોને જાગરણ, સૂર્યોદયની રાહમાં મતદારો!

મત માંગવા દ્વારે દ્વારે ભટકતા ઉમેદવારોઃ મતદારો આપે છે આશ્વાસન! આગામી પાંચ વર્ષ માટે કેશોદ શહેરનું ભાવિ કોના હાથમાં સોંપવું તેનો નિર્ણય મતદારો આવતીકાલે એવીએમ મશીન સમક્ષ લઈ લેશેઃ પાલિકા ચૂંટણીમાં ૨૭,૮૯૧ પુરુષ તથા ૨૫૦૮૪ મહિલા મળી કુલ ૫૨૯૭૫ મતદારોને મતાધિકારઃ ૫૮ મત મથકોઃ નગરપાલિકાની ૩૫, તાલુકા પંચાયતની ૧૮, જિલ્લા પંચાયતની ચાર બેઠક માટે ચૂંટણી

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૨૫: કેશોદ મતવિસ્તારમાં આવતીકાલે મજબૂત લોકશાહી માટે લોકતંત્ર પર્વ સૌથી મહત્વનો ચૂંટણી ઉત્સવ છે. ચૂંટણી પ્રક્રિયા આડે માંડ એક રાત બાકી છે ત્યારે ઉમેદવારો માટે આજની આખી રાતનું જાગરણ બની રહેશે જ્યારે ઉત્સુક મતદારો આવતીકાલ સવારના સૂર્યોદયની રાહમાં છે! સર્વે દરમિયાન છેલ્લે સુધી મતદારો મગનું નામ મરી નહીં પાડતા ચૂંટણી પરિણામો અંગેના ગણિત માંડતા રાજકીય પંડિતો પણ ગોથે ચડેલ છે. બીજી તરફ મતદારોનું મૌન ઉમેદવારોને પણ અકળાવી રહ્યું છે.

કાલે સ્થાનિક નગરપાલિકાની, તાલુકા પંચાયતની તથા જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાનાર છે. જેમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરશે. હવે માત્ર ટૂંકો સમય હોય ભારે ગરમી અને તાપ વચ્ચે ઉમેદવારો નગર સેવક બનવાના કોડ સાથે મત માંગવા માટે દ્વારે દ્વારે ભટકતા જોવા મળે છે. શાણા મતદારો ઉમેદવારોને હકારાત્મક આશ્વાસન આપી વિદાય કરે છે. બાદમાં બીજા હરીફ ઉમેદવારો માટે પણ મતદારો આજ થીયરી અપનાવતા હોય તમામ ને હકારાત્મક પ્રતિભાવો મળતા ચૂંટણી પ્રક્રિયાને હવે માત્ર ગણતરીના કલાકો બાકી છે ત્યારે આ ચૂંટણીમાં ખરેખર પોતાનું સ્થાન ક્યાં છે એ અંગેનું ચિત્ર સ્પષ્ટ નહીં કરી શકતા ઉમેદવારો મૂંઝવણમાં જણાઈ રહ્યા છે!

આવતીકાલે ચૂંટણી હોય વહીવટી તંત્ર ચૂંટણી કાર્ય અંગેની જરૂરી કામગીરીની વ્યવસ્થામાં, પોલીસ તંત્ર કડક બંદોબસ્ત ગોઠવવાની વ્યવસ્થામાં લાગી ગયેલ છે. બીજી તરફ ચૂંટણીના આડે માંડ એક રાત બાકી હોય સ્થિતિને ભરી પીવા બાકી રહી ગયેલ લોકોને મુલાકાત માટે ચૂંટણીની હોડમાં રહેલ ઉમેદવારોએ પોતાની દોડ ને તેજ બનાવેલ છે. આ સ્થિતિ વચ્ચે આવતીકાલની રાહમાં મતદારો મા પણ ભારે ઉત્તેજના જોવા મળેલ છે. ગત તારીખ એક એપ્રિલનના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ આજ દિન સુધી ચૂંટણીનો મુદ્દો લોકો માટે ચર્ચાનો વિષય બનેલ છે. જોકે રાજકીય આગેવાનો અને કાર્યકરો છેલ્લા એક દોઢ મહિના પૂર્વેથી ચૂંટણી અંગે ની તૈયારીઓ કરી રહ્યા હતા. પરંતુ ટિકિટ વહેચણી દરમિયાન પોતાનો ગજ ન વાગતા અંતે તેઓ ટાઢા પડી ગયા હતા. અને જેમને નહિવત આશા હતી તેવા ઉમેદવારના નામ જાહેર થતાં તેઓ ચૂંટણીની હોડમા સ્ફૂર્તિ સાથે દોડવા લાગેલ હતા. આવતીકાલે ચૂંટણી પ્રક્રિયા બાદ આ તમામ ઉમેદવારોની દોડ શાંત થઈ જશે અને તેમની મીટ માત્ર આગામી તરીખ ૨૮ ને મંગળવારના રોજ જાહેર થનાર ચૂંટણી પરિણામો પર ટકી જશે!

ગઈકાલ સાંજથી ચૂંટણી પ્રચારના ભૂંગળા શાંત પડી ગયેલ છે. ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ડોર ટુ ડોર વ્યકિતગત લોક સંપર્ક માટે ફરી રહેલ છે. જાણકારોના જણાવ્યા મુજબ આજે ચૂંટણી પ્રક્રિયા પૂર્વેની આખરી રાત હોઇ અર્થાત રાજકીય ભાષામાં કહેવાતી કતલ કી રાતનો ઉપયોગ ઉમેદવારો તથા રાજકીય પાર્ટીઓ હરીફોના મત તોડવા કે કાપવા માટે કરતા હોય છે. છેલ્લા ૧૫ દિવસથી ચાલતી પ્રક્રિયાઓની તાસીર પરખી ક્યા વિસ્તારમાં કેટલો ફાયદો અને કયા વિસ્તારમાં કેટલું નુકસાન એ અંગે ગણિત માંડી ક્યાં શું કચાસ જણાઈ રહી છે તેનો અભ્યાસ કરી જે પરિવારમાં મતની સંખ્યા વધુ હશે ત્યાં તથા સેવાકીય સામાજિક રાજકીય અગ્રણીઓના બારણા ખખડાવી તરફેણમાં મત પડે તે માટે રાતો રાત મેસેજ વાયરલ કરાવવા જેવા પડદા પાછળ પ્રયાસો હાથ ધરાશે. કોઈપણ ભોગે પરિણામો પલ્ટાવા માટે જરૂર પડિયે શામ, દમ, દંડ, ભેદની નીતિ અપનાવી ઓપરેશન પાર પાડવામાં આવતા હોવાનું મનાઈ રહ્યું છે. આમ ક્યારેક ચૂંટણી પહેલાંની રાત્રી ચૂંટણી સમીકરણો ફેરવવામાં નિર્ણાયક બની જતી હોવાનું કહેવાય છે.

દરમિયાન પ્રવર્તમાન ચૂંટણી સાથે સ્થાનિક કેશોદ ધરાસભા મતવિસ્તાર સંબંધ ધરાવે છે ત્યાં સુધી કેશોદ નગરપાલિકાની ૩૫ બેઠક માટે, કેશોદ તાલુકા પંચાયત ૧૮ બેઠક માટે તથા જિલ્લા પંચાયતની અગતરાય, અજાબ, બાલાગામ, મેસવાણ મળી ચાર બેઠક માટેની ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપ, કોંગ્રેસ તથા મોટાભાગની બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડી રહેલી હોય આ વિસ્તારમાં ત્રિપાંખિયો જંગ જામેલ છે. સ્થાનિક પલિકા માટે ૯૨, તાલુકા પંચાયત માટે ૫૮ તથા જિલ્લા પંચાયત માટે ૪ ઉમેદવારો મળી કુલ ૧૬૩ ઉમેદવારો આ ચૂંટણી જંગમાં છે.

સ્થાનિક પાલિકાની વાત કરીએ તો નવ વોર્ડની કુલ ૩૬ બેઠકમાંથી ૧૮ બેઠક પરથી સામાન્ય વર્ગના ૧૦, અનુસૂચિત જાતિ વર્ગના ૨, પછાત વર્ગના ૫, અનુસૂચિત આદિજાતિ વર્ગના ૧ મળી કુલ ૧૮ બેઠક પરથી પુરુષ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવેલ છે. તેમજ સામાન્ય વર્ગની ૧૧, પછાત વર્ગની ૫, અનુસૂચિત જાતિ વર્ગની ૧ તથા અનુસૂચિત આદિજાતિ વર્ગની ૧ મળી કુલ ૧૮ મહિલા ઓએ ઉમેદવારી નોંધાવેલ છે. જેમાંથી એક બેઠક બિનહરીફ થતા બાકી રહેલ ૩૫ બેઠક પરથી કુલ ૯૨ ઉમેદવારો ચૂંટણી લડી રહેલ છે.

ચૂંટણી આયોગ દ્વારા વોર્ડ નંબર ૧ માં એક પછાત સ્ત્રી,એક સામાન્ય સ્ત્રી, એક અનુસૂચિત જાતિ અને એક સામાન્ય વર્ગ માટે, વોર્ડ નંબર ૨ માં એક પછાત સ્ત્રી, એક સામાન્ય સ્ત્રી, એક પછાત તથા એક સામાન્ય વર્ગ માટે, વોર્ડ નંબર ૩ માં એક પછાત, એક સામાન્ય સ્ત્રી તથા બે બેઠક સામાન્ય વર્ગ માટે, વોર્ડ નંબર ૪ માં એક અનુસૂચિત જાતિ સ્ત્રી, એક સામાન્ય સ્ત્રી, એક અનુસૂચિત આદિજાતિ અને એક સામાન્ય વર્ગ માટે, વોર્ડ નંબર ૫ માં એક પછાત સ્ત્રી, એક સામાન્ય સ્ત્રી, એક અનુસૂચિત જાતિ અને એક સામાન્ય વર્ગ માટે, વોર્ડ નંબર ૬ અને ૭ માં બે સામાન્ય સ્ત્રી, એક પછાત અને એક સામાન્ય વર્ગ માટે, વોર્ડ નંબર ૮ માં એક સામાન્ય સ્ત્રી, એક અનુસૂચિત આદિજાતિ સ્ત્રી, એક પછાત અને એક સામાન્ય વર્ગ માટે, વોર્ડ નંબર ૯ માં એક પછાત સ્ત્રી, એક સામાન્ય સ્ત્રી, એક પછાત અને એક સામાન્ય વર્ગ માટે બેઠકો ફાળવવામાં આવેલ છે.

સ્થાનિક પાલિકામાં કુલ ૯૨ માંથી ૪૬ મહિલા ઉમેદવારો તથા ૪૬ પુરુષ ઉમેદવારો ચૂંટણી લડી રહેલ છે. જેમાં બિનહરીફ થયેલ બેઠક બાદ કરતા કુલ ૩૫ બેઠકમાંથી ભારતીય જનતા પાર્ટીમાં થી ૧૮ પુરુષ તથા ૧૭ મહિલા મળી કુલ ૩૫, કોંગ્રેસમાંથી ૧૫ પુરુષ તથા ૧૮ મહિલા મળી કુલ ૩૩ અને આમ આદમી પાર્ટીમાંથી ૧૩ પુરુષ તથા ૧૧ મહિલા મળી કુલ ૨૪ ઉમેદવારો ચૂંટણી લડી રહેલ છે.

સ્થાનિક ડેપ્યુટી કલેકટરની સીધી દેખરેખ તથા સ્થાનિક મામલતદારના માર્ગદર્શન હેઠળ ચૂંટણીના અનુસંધાને વહીવટી તંત્ર દ્વારા ભારે જાહેમત સાથે તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. સ્થાનિક પાલિકાની ચૂંટણી માટે શહેરની જુદી જુદી ૫૮ જેટલી શાળા કોલેજો ને મતદાન મથકોમાં ફેરવી નાખી તેમાં ચૂંટણી બુથ ઉભા કરવામાં આવેલ છે. જેના માટે કુલ ૯૦ ઇવીએમ મશીનો ફાળવવામાં આવેલ છે. જેમાં ૮૫ તૈયાર કરવામાં આવેલ છે જેમાંથી ૫૮ ઈ વી એમ મશીનનો ઉપયોગમાં લેવામાં આવશે. બાકીના ૨૭ રિઝર્વ માં રાખવામાં આવનાર હોવાનું સૂત્રોએ જણાવેલ છે.

સ્થાનિક નગરપાલિકાની ચૂંટણીમાં ૨૭૮૯૧ પુરુષ તથા ૨૫૦૮૪ મહિલા મળી કુલ ૫૨,૯૭૫ મતદારો આવતીકાલે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. સૌથી વધુ ૭૨૨૨ મતદારો વોર્ડ નંબર એકમાં છે. જ્યારે સૌથી ઓછા ૪૭૮૨ મતદારો વોર્ડ નંબર ૨ માં છે. ઉપરાંત વોર્ડ નંબર એકમાં સૌથી વધુ ૩૭૮૨ તથા વોર્ડ નંબર નવમાં સૌથી ઓછા ૨૭૧૫ પુરુષ મતદારો જોવા મળેલ છે. તેમજ વોર્ડ નંબર એકમાં સૌથી વધુ ૩૪૪૦ તથા વોર્ડ નંબર બે માં સૌથી ઓછા ૧૯૯૧ સ્ત્રી મતદારો જોવા મળેલ છે.

જેમાં વોર્ડ નંબર ૧ માં ૩૭૮૨ પુરુષ, ૩૪૪૦ સ્ત્રી મળી કુલ ૭૨૨૨ મતદારો, વોર્ડ નંબર ૨ મા ૨૭૯૧ પુરુષ, ૧૯૯૧ સ્ત્રી મળી કુલ ૪૭૫૨ મતદારો, વોર્ડ નંબર ૩ માં ૨૯૭૭ પુરુષ ૨૬૩૭ સ્ત્રી મળી કુલ ૫૬૧૪ મતદારો, વોર્ડ નંબર ૪ માં ૩૦૪૫ પુરુષ તથા ૨૭૯૭ સ્ત્રી મળી કુલ ૫૮૪૨ મતદારો, વોર્ડ નંબર ૫ માં ૨૮૧૨ પુરુષ તથા ૨,૫૮૮ સ્ત્રી મળી કુલ ૫૪૦૦ મતદારો, વોર્ડ નંબર ૬ માં ૩,૫૨૮ પુરુષ તથા ૩૩૭૬ સ્ત્રી મળી કુલ ૬૯૦૪ મતદારો, વોર્ડ નંબર ૭ માં ૨૯૮૨ પુરુષ તથા ૨૭૬૩ સ્ત્રી મળી કુલ ૫૭૪૫ મતદારો, વોર્ડ નંબર ૮ માં ૩૨૫૯ પુરુષ તથા ૩૧૦૮ સ્ત્રી મળી કુલ ૬૩૬૭ મતદારો, વોર્ડ નંબર ૯ માં ૨૭૧૫ પુરુષ અને ૨૩૮૪ સ્ત્રી મળી કુલ ૫૦૯૯ મતદારો નો સમાવેશ થાય છે.

દરમિયાન પ્રવર્તમાન ઉનાળાના ભારે તાપ અને ગરમી વચ્ચે ઉમેદવારો મતદારોને ચૂંટણી મથક સુધી કેટલા અંશે સફળ રહે છે અને પ્રવર્તમાન ૪૦ ડિગ્રી તાપ મતદાન ઉપર કેવી અસર કરે છે તે જોવાનું રહ્યું. ખાસ કરીને નવોદિત ઉમેદવારો ૨૦૨૬ થી ૨૦૩૧ દરમિયાન પાંચ વર્ષ માટે નગરસેવક બનવા થનગની રહેલ છે. અભિ નહીં તો કભી ભી નહીં એવું સમજી કોઈપણ ભોગે મતદારોને રીઝવવાના પ્રયાસો ઉમેદવારો કરી રહેલ છે. પરંતુ શાણા મતદારોનું માનસ અકળ જણાતું હોય ઉમેદવારોને પ્રવર્તમાન ઉનાળાની ૪૦ ડિગ્રી તાપમાન કરતાં પણ વધુ આ સ્થિતિથી અકળામણ જણાઈ રહી છે! લગભગ છેલ્લા પંદરેક દિવસથી ઉમેદવારોને આશ્વાસન રૂપ ગોળ ગોળ જવાબ આપતા મતદારો આગામી પાંચ વર્ષ માટે કેશોદ શહેરનું ભાવિ કોના હાથમાં સોંપવું તેનો નિર્ણય મતદારો આવતીકાલે ઇવીએમ મશીન સમક્ષ લઈ લેશે!

(2:04 PM IST)