News of Friday, 1st May 2026
બોટાદમાં ભાવનગર એ.સી.બી.નો સપાટો : એ.એસ.આઈ. જયેશ જેન્તીભાઇ જાખણીયા વતી રૂ. ૧૦,૦૦૦ની લાંચ લેતા ખાનગી વ્યક્તિ નિલેશ ઉર્ફે લાલો ભરાડીયા ઝડપાયા
મદદનીશ નિયામક એસ.એન.બારોટ અને ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પી.આઈ. ટી.એસ. રીઝવીની ટીમે પાળીયાદ પાસે છટકું ગોઠવી બંને આરોપીઓને મેળાપીપણું કરવા બદલ દબોચ્યા

બોટાદ: બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈ. અને એક ખાનગી વ્યક્તિ લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં પોલીસ બેડામાં ફફડાટ વ્યાપી ગયો છે. જામીન મુક્ત કરવા અને હેરાન ન કરવાના બદલામાં લાંચની માંગણી કરનાર પોલીસ કર્મચારી વતી નાણાં સ્વીકારતા વચેટિયાને ભાવનગર એ.સી.બી.એ પાળીયાદ ખાતેથી પકડી પાડ્યો છે.
ઘટનાની વિગત અને લાંચની માંગણી:
આ કેસની વિગત મુજબ, ફરિયાદી વિરુદ્ધ બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલ હતો. આ ગુનાની તપાસ આરોપી નંબર ૧, એ.એસ.આઈ. જયેશ જેન્તીભાઇ જાખણીયા પાસે હતી. ફરિયાદીને ગુનાના કામે જામીન મુક્ત કરવા તેમજ મામલતદાર કચેરી ખાતે અટકાયતી પગલાં ન લેવડાવી ખોટી રીતે હેરાન ન કરવાના અવેજમાં એ.એસ.આઈ. જયેશ જાખણીયાએ રૂ. ૩૦,૦૦૦ની લાંચ માંગી હતી. રકઝક બાદ રૂ. ૧૦,૦૦૦ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
એ.સી.બી.નું છટકું અને ધરપકડ:
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે ભાવનગર એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. જેને પગલે આજે ૧ મે ૨૦૨૬ના રોજ પાળીયાદમાં મહાદેવ ફર્નિચરની સામે છટકું ગોઠવવામાં આવ્યું હતું. આ દરમિયાન આરોપી નંબર ૨, નિલેશભાઇ ઉર્ફે લાલો ભરાડીયા (ખાનગી વ્યક્તિ) ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી રૂ. ૧૦,૦૦૦ની લાંચ સ્વીકારતા જ સ્થળ પર હાજર એ.સી.બી.ની ટીમે તેને દબોચી લીધો હતો.
ત્યારબાદ એ.સી.બી.એ એ.એસ.આઈ. જયેશ જાખણીયા સાથે ટેલિફોનિક વાતચીત કરાવી હતી, જેમાં એ.એસ.આઈ.એ લાંચના નાણાં મળી ગયા અંગે સમર્થન આપ્યું હતું. આમ, બંને આરોપીઓએ એકબીજાના મેળાપીપણામાં લાંચની માંગણી કરી ગુનો આચરતા એ.સી.બી.એ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અધિકારીઓની સફળ કામગીરી:
આ સફળ ટ્રેપ ભાવનગર એ.સી.બી. પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ટી.એસ. રીઝવી અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહીનું સુપરવિઝન ભાવનગર એ.સી.બી. એકમના મદદનીશ નિયામક એસ.એન.બારોટ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે રાજકોટ એ.સી.બી.ના ઇન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાએ આ કામગીરીનું સીધું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. એ.એસ.આઈ. દ્વારા પોતાના પદનો દુરુપયોગ કરી આચરવામાં આવેલી આ ગેરવર્તણૂક બદલ પોલીસ વિભાગમાં ચકચાર મચી છે.
(10:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
