<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

ભાવનગરના હાસ્ય કલાકાર ધરમ વંકાણી આફ્રિકાના કેન્યામાં ‘હાસ્ય દરબાર’ ગજવશે: શુભેચ્છા કાર્યક્રમ યોજાયો

વિદેશ પ્રવાસ માત્ર હાસ્ય પૂરતો સીમિત ન રહેતા સંગીતમય પણ બની રહેશે: ધરમ વંકાણીની સાથે હોનહાર તબલા વાદક ઓમ વકાણી પણ જોડાઈ રહ્યા હોય કાર્યક્રમ દરમિયાન હાસ્યના પંચોની સાથે તબલાના તાલે સૂર-તાલની અનોખી પિતા— પુત્રની જુગલબંદી જામશે

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર સહિત સમગ્ર ગુજરાતનું ગૌરવ એવા જાણીતા હાસ્ય કલાકાર ધરમ વંકાણી આગામી દિવસોમાં વિદેશની ધરતી પર પોતાની આગવી શૈલીમાં હાસ્યરસ પીરસીને કલાના ઓજસ પાથરશે. દેશ-વિદેશમાં વસતા ગુજરાતીઓને પેટ પકડીને હસાવવા માટે જાણીતા આ કલાકાર  ૯ આફ્રિકાના પ્રવાસે જઈ રહ્યા છે, જ્યાં તેઓ વિવિધ શહેરોમાં પોતાના લોકપ્રિય કાર્યક્રમ ‘હાસ્ય દરબાર’ના માધ્યમથી ધૂમ મચાવશે. 

  તા. ૧૨ જુલાઈથી ૨૮ જુલાઈ સુધીના ગાળા દરમિયાન આફ્રિકાના કેન્યા દેશમાં ધરમવંકાણીના હાસ્ય દરબારના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.કેન્યાના મુખ્ય શહેરો એવા નૈરોબી અને કિસુમુ ખાતે વસતા પ્રવાસી ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આ કાર્યક્રમો યોજાશે, જેને લઈને ત્યાં વસતા ખમીરવંતા ગુજરાતીઓમાં અત્યારથી જ ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ વિદેશ પ્રવાસ માત્ર હાસ્ય પૂરતો સીમિત ન રહેતા સંગીતમય પણ બની રહેશે, કારણ કે ધરમ વંકાણીની સાથે  જાણીતા અને હોનહાર તબલા વાદક ઓમ વકાણી પણ આ પ્રવાસમાં જોડાઈ રહ્યા છે. કાર્યક્રમ દરમિયાન હાસ્યના પંચોની સાથે તબલાના તાલે સૂર-તાલની અનોખી પિતા— પુત્રની જુગલબંદી જામશે, જે શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ધરમ વંકાણીએ પોતાના અનોખા અંદાજ, ટાઈમિંગ અને લોકજીવન સાથે જોડાયેલા પ્રસંગોને હાસ્યમાં વણી લેવાની કળા દ્વારા લોકપ્રિયતા મેળવી છે. ત્યારે વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી હાસ્યની સરવાણી વહાવવા જઈ રહેલા આ બંને કલાકારો
ને વિદેશ પ્રવાસી શુભેચ્છા આપવા ભાવનગર ની શ્રી જ્ઞાનગુરુ વિદ્યાપીઠ ખાતે શુભેચ્છા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં ગાંધીનગર થી ખાસ હેમરાજભાઈ પાડલીયા ઉપસ્થિત રહ્યા હતા. મનહરભાઈ રાઠોડ, રમેશભાઈ મુંજપરા, રાજુભાઈ પરમાર તથા ભાવનગરની વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા પાઠવી હતી

(6:22 PM IST)