News of Tuesday, 28th July 2026
ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આધાર ઓપરેટર વિજય ડાભી અને વચેટિયા અશ્વિન બાંભણિયા ₹૩૦૦૦ ની લાંચ લેતા એસીબી પીઆઈ ટી.એસ.રીઝવીની ટીમે ગોઠવેલા ડિકોય છટકામાં રંગેહાથ ઝડપાયા
આધાર કાર્ડમાં સુધારા-વધારા કરાવવાના બહાને ચાલતા લાંચના નેટવર્કનો ડિકોયરના સહયોગથી પર્દાફાશ: એસીબી મદદનીશ નિયામક એસ.એન.બારોટના સુપરવિઝન અને અને નાયબ નિયામક તથા ઈન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ આખલોલ જકાતનાકા સેન્ટર પર કાર્યવાહી

રાજકોટ:ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ના પશ્ચિમ ઝોન આધાર કાર્ડ સેન્ટર પર એન્ટિ કરપ્શન બ્યુરો (ACB) દ્વારા ડિકોયરના સહયોગથી સફળ ડિકોય ટ્રેપ ગોઠવીને લાંચિયા નેટવર્કનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. એસીબીની ટીમે ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના આધાર ઓપરેટર વિજય ભરતભાઈ ડાભી (ઉં.વ.૨૮, રહે. તરસમિયા રોડ, બાપાસીતારામ સોસાયટી, ભાવનગર) અને વચેટિયા તરીકે કામ કરતા પ્રજાજન અશ્વિન બાંભણિયા (રહે. સદ્દગુરુ ઓફિસ, મંત્રેશ કોમ્પ્લેક્ષ સામે, ભાવનગર) ને ₹૩૦૦૦ ની લાંચ સ્વીકારતા સ્થળ પરથી પકડી પાડ્યા છે.
મળતી વિગતો અનુસાર, એસીબીને ચોક્કસ માહિતી મળી હતી કે મંત્રેશ કોમ્પ્લેક્ષ સામે 'સદ્દગુરુ ઓનલાઈન સર્વિસ' નામની ઓફિસ ધરાવતો અશ્વિન બાંભણિયા લોકોના આધાર કાર્ડ તથા પાનકાર્ડ કાઢવા અને તેમાં સુધારા-વધારા કરવાનું કામ કરે છે. તે બીએમસીના અધિકારીઓ અને કોમ્પ્યુટર ઓપરેટરો સાથે મેળાપીપણું રચીને સામાન્ય નાગરિકો પાસેથી આધાર કાર્ડમાં સુધારા કરાવવાના બદલામાં ₹૨૦૦૦ થી ₹૩૦૦૦ ની લાંચની રકમ પડાવતો હતો અને એકબીજાના સંગઠનથી વ્યવસ્થિત નેટવર્ક ચલાવતો હતો.
આ હકીકત આધારે એસીબીની ટીમે એક ડિકોયરનો સંપર્ક કરી તેમનો સહકાર મેળવીને લાંચના ડિકોય છટકાનું આયોજન કર્યું હતું. જે અનુસંધાને ૨૮ જુલાઈ, ૨૦૨૬ ના રોજ ડિકોયરે આરોપી અશ્વિન બાંભણિયાનો સંપર્ક કર્યો હતો. અશ્વિને આધાર કાર્ડમાં સુધારો કરવા માટેના જરૂરી દસ્તાવેજો વોટ્સએપ મારફતે મેળવી લીધા હતા. ત્યારબાદ તેણે ડિકોયરને આખલોલ જકાતનાકા ખાતે આવેલી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પશ્ચિમ ઝોનની ઓફિસે આધાર ઓપરેટર વિજય ડાભીને મળવા જણાવ્યું હતું.
ત્યાં આધાર કાર્ડમાં સુધારો કર્યા બાદ, ડિકોયરે અશ્વિન સાથે ટેલિફોન પર વાતચીત કરીને નક્કી થયા મુજબ લાંચના નાણાં ₹૩૦૦૦ આપ્યા હતા. ડિકોયર પાસેથી લાંચની રકમ સ્વીકારતા જ સ્થળ પર હાજર એસીબીની ટીમે દરોડો પાડીને લાંચના ₹૩૦૦૦ ની પૂરેપૂરી રકમ રિકવર કરી બંને આરોપીઓને રંગેહાથ ઝડપી લીધા હતા.
આ સફળ ટ્રેપ કામગીરી ભાવનગર એસીબી પોલીસ સ્ટેશનના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઈન્સ્પેક્ટર ટી.એસ.રીઝવી તથા ભાવનગર એસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યવાહી ભાવનગર એકમના સુપરવિઝન અધિકારી મદદનીશ નિયામક એસ.એન.બારોટના સુપરવિઝન હેઠળ અને રાજકોટ એકમના નાયબ નિયામક તથા ઈન્ચાર્જ અધિકારી બળદેવસિંહ વાઘેલાના માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી.
(8:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
