<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 3rd November 2026

શ્રીનાથ પછી ભારતના બીજા ટેસ્ટ મેચ રેફરી તરીકે ભાવનગરના પ્રકાશ ભટ્ટની પસંદગી : ગુજરાતનું ગૌરવ

રાજકોટથી નોકરી શરૂ કર્યા બાદ આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ તરીકે નિવૃત્ત થયેલા પ્રકાશ ભટ્ટ ICCની ઇમર્જિંગ પેનલ ઓફ મેચ રેફરીઝમાં સ્થાન મેળવનારા વિશ્વના માત્ર ચાર રેફરી પૈકીના એક – અત્યાર સુધી ૪૮ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય, ૬ વન-ડે, ૪ મહિલા ટી-૨૦ અને ૩ મહિલા વન-ડેમાં મેચ રેફરી તરીકે ફરજ બજાવી

આમ તો ઓછું બોલવાની પ્રકૃતિ અને તેને અનુરૂપ જવાબદારી પણ તેવી જ મળી છે. તેનું નામ પ્રકાશ ભટ્ટ. મોટા ભાઈ ગોપાલ ભટ્ટને કારણે ક્રિકેટ તરફ આકર્ષાયેલો ભાવનગરના બોરડી ગેટ વિસ્તારમાં રહેતો પ્રકાશ ભટ્ટ બી.એમ. કોમર્સમાં દાખલ થયો. એ વર્ષોમાં સૌરાષ્ટ્ર રણજી ટ્રોફી ટીમના ખેલાડી અનિલ ઠકરારની ભાવનગરમાં ક્રિકેટ કોચ તરીકે સરકારે નિમણૂક કરી હતી. અનિલ અને ક્રિકેટકર જયંતિ ધરાજિયાએ બંનેએ પ્રકાશને કહેલું કે ક્રિકેટ રમવું હોય તો હોમ સ્કૂલમાં એડમિશન લઈ લે. આમ પ્રકાશ ભટ્ટની ક્રિકેટર તરીકેની કારકિર્દી શરૂ થઈ.

બાદમાં સર પી.પી. ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાંથી અને સાથે યુઆઇસીસીમાંથી રમવાની શરૂઆત કરી. જમણેરી બેટ્સમેન પ્રકાશને જયરાજસિંહ સરવૈયા ઉપરાંત રણજી ટ્રોફી પ્લેયર અને બાદમાં ભારતીય ટીમમાં પસંદ થયેલા અશોક પટેલનું માર્ગદર્શન મળ્યું. અશોકે રસપ્રદ વાત કરતાં કહ્યું કે, “તેને એસ.એસ.સી.માં ૮૦ ટકા આવ્યા હતા અને તેને સાયન્સ કોલેજમાં પ્રવેશ લેવો હતો. ત્યારે મેં કહેલું કે સાયન્સમાં જવું હોય તો ક્રિકેટ નહીં રમી શકે, બેમાંથી એક પસંદ કર. જેનાથી પ્રકાશ હતાશ થયેલો. પ્રકાશના પિતા અને ગોપાલ ઘરે આવ્યા. મેં પ્રકાશને કોચ કરવાની તૈયારી દર્શાવી. જો કે, આ પહેલાં પ્રકાશ અંડર-૧૯ અને અંડર-૨૨ ટુર્નામેન્ટ રમી ચૂક્યો હતો.”

અમેરિકામાં ક્રિકેટને લોકપ્રિય બનાવવામાં યોગદાન આપનાર અને ક્રિકેટ સાથે વળગી રહેલા અશોક આજે ન્યૂજર્સીમાં બે ઉપરાંત કનેક્ટિકટ, સાન ડિયેગો, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કોમાં ક્રિકેટ એકેડેમી ચલાવે છે. ડલાસમાં ક્રિકેટ એકેડેમી શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે. અમેરિકામાં વસતા આશરે ૮૦૦ ભારતીયોને કોચિંગ આપી રહ્યો છે. તેની ક્રિકમેક્સે કોલકાતા નાઇટ રાઇડર્સ ગ્રૂપ સાથે સહયોગ કર્યો છે. ક્રિકેટર ના નાતે ઇન્કમટેક્સમાં નોકરી મળતાં મુકામ રાજકોટ થયો. સૌરાષ્ટ્રના ક્રિકેટની રાજધાની ગણાતા રાજકોટમાં પ્રકાશને ક્રિકેટનું અનુકૂળ વાતાવરણ મળ્યું. રણજી ટ્રોફીની ટીમમાં બેટ્સમેન અને બાદમાં ટીમના કેપ્ટન, કોચ અને મેનેજર તરીકે જવાબદારી સંભાળનાર પ્રકાશ ક્રિકેટ જેટલો જ નોકરીમાં પણ સંનિષ્ઠ રહ્યો.

આસિસ્ટન્ટ કમિશનર ઓફ ઇન્કમટેક્સ તરીકે બઢતી સાથે પુણેમાં પોસ્ટિંગ થયું. એક રજામાં પ્રકાશને મેં ફોન કર્યો ત્યારે તે ઓફિસમાં હતો. મેં પૂછ્યું, “કેમ, રજામાં ઓફિસ?” કહે, “ક્રિકેટના શેડ્યૂલ અને નોકરીમાં રજાના કારણે ચડી ગયેલું કામ રજામાં પૂરું કરું છું.”

પુણેનો કાર્યકાળ પૂરો કરી પરત રાજકોટ બદલી થઈ આવેલા પ્રકાશને ઇન્ડિયન રેવન્યુ સર્વિસ (IRS)માં પદનામિત કરવામાં આવ્યો. થોડો સમય નોકરી કરી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી ત્યારે પ્રકાશે કહેલું, “બહુ જવાબદારી નથી એટલે મારો અને રાજકોટની જાણીતી સ્કૂલમાં વાઇસ પ્રિન્સિપાલ પત્ની દિવ્યાનો ઇરાદો ક્રિકેટ બાદ ફાજલ સમયમાં વંચિત બાળકોને શિક્ષણ આપવાનો છે.”

પરંતુ ‘Man proposes and God disposes’ કહેવત તેના કિસ્સામાં સાચી પુરવાર થઈ હોય તેમ ૨૦૦૮માં પ્રકાશની નિમણૂક ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના રેફરી તરીકે થઈ. ક્રિકેટ સાથે જોડાયેલા રહેવા માટે રેફરી તરીકેની તેની નિમણૂક તેની પ્રકૃતિને માફક હતી. ક્રિકેટ કંટ્રોલ બોર્ડના તમામ ઓફિશિયલ્સ માટે આચારસંહિતા હોય છે. તેની વાત કરતાં મારા વડીલ મિત્ર અને સૌરાષ્ટ્ર-ગુજરાતમાંથી રણજી ટ્રોફી રમનાર તથા બાદમાં ભારતીય ક્રિકેટ ટીમમાં લેફ્ટ હેન્ડ ઓલરાઉન્ડર તરીકે રમેલા ડી.ડી.ના ટૂંકા નામે જાણીતા ધીરજ પરસાણાની વાત યાદ આવે છે. તેમની નિયુક્તિ ક્રિકેટ કંટ્રોલ બોર્ડના વેસ્ટ ઝોનના પિચ ક્યુરેટર તરીકે થઈ ત્યારે તેમણે કહેલું કે, “અમે ગ્રાઉન્ડ ઉપર પહોંચીએ પછી સંપર્કવિહોણા થઈ જઈએ છીએ. એટલું જ નહીં, કોઈપણ ટીમના પ્લેયર સાથે પણ સંપર્ક કરી શકતા નથી.”

એ રીતે જોતાં પ્રકાશને તેની પ્રકૃતિ મુજબ કામ તો મળ્યું, પણ હવે તેની કારકિર્દીમાં એક નવો અને ગૌરવપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. BCCIના વરિષ્ઠ મેચ રેફરી ઉપરાંત આ વર્ષની શરૂઆતમાં ICCની સૌપ્રથમ ‘ઇમર્જિંગ પેનલ ઓફ મેચ રેફરીઝ’માં પણ પ્રકાશનો સમાવેશ થયો છે. સમગ્ર વિશ્વમાંથી આ પેનલમાં સામેલ માત્ર ચાર મેચ રેફરીઓમાં પ્રકાશની પસંદગી ભાવનગર ઉપરાંત સૌરાષ્ટ્ર અને દેશ માટે પણ ગૌરવનો ગુલાલ છે.

BCCI અને ૨૦૨૪થી ICCના મેચ રેફરી તરીકે કાર્યરત પ્રકાશ ભટ્ટે અત્યાર સુધીમાં ૪૮ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચ, ૬ વન-ડે મેચ, ૪ મહિલા ટી-૨૦ અને ૩ મહિલા વન-ડેમાં મેચ રેફરી તરીકે ફરજ બજાવી છે. ઉપરાંત, તેણે આ વર્ષની શરૂઆતમાં ઝિમ્બાબ્વે અને નામિબિયામાં યોજાયેલા અંડર-૧૯ વર્લ્ડ કપમાં પણ મેચ રેફરી તરીકેની ભૂમિકા અદા કરી હતી.

હવે ICCએ બાંગ્લાદેશ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની ટેસ્ટ શ્રેણી માટે પ્રકાશ ભટ્ટની મેચ રેફરી તરીકે નિમણૂક કરતાં તેની કારકિર્દીમાં વધુ એક મહત્ત્વપૂર્ણ અધ્યાય ઉમેરાયો છે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ ઢાકામાં રમાઈ રહી છે, જ્યારે બીજી ટેસ્ટ ૫મી નવેમ્બરે સિલહેટમાં રમાશે.

ભારતીય ટીમના પેસ બોલર જવાગલ શ્રીનાથ પછી ટેસ્ટ મેચમાં મેચ રેફરી તરીકે ફરજ બજાવનાર પ્રકાશ માત્ર બીજા ભારતીય બન્યા છે.

આનંદો, ભારત! આનંદો, ભાવનગર! આનંદો, આખુંય સૌરાષ્ટ્ર!

પ્રકાશ ભટ્ટની આ સિદ્ધિ બદલ હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે શુભકામનાઓ.

 

 

(-લેખન: યજ્ઞેશ આચાર્ય, ભાવનગર,રજૂઆત: વિનોદ ગાલા, ભુજ)

(1:12 PM IST)