<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 22nd September 2026

ભુજના વિવિધ પ્રશ્નોના સામુદાયિક ઉકેલ માટે ‘ભુજ સિટી કાઉન્સિલ’નું ગઠન કરાયું

ભુજના ૧૧ વોર્ડના સક્રિય નાગરિકો, આગેવાનો અને વિષય નિષ્ણાતોની પહેલ : વિવિધ વોર્ડમાંથી વધુ સક્રિય નાગરિકોને સામાન્ય સભામાં જોડવા પ્રક્રિયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૨ :  ભુજ શહેરના વિકાસ સાથે ઊભી થતી વિવિધ સમસ્યાઓને ઓળખી, તેના ઉકેલ માટે સામુદાયિક પ્રયાસોને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘ભુજ સિટી કાઉન્સિલ’ નામના બિનરાજકીય નાગરિક જૂથનું ગઠન કરવામાં આવ્યું છે. ભુજના વિવિધ વોર્ડના સક્રિય નાગરિકો, આગેવાનો, વિષય નિષ્ણાતો અને નાગરિક સંસ્થાઓ સાથે મળીને શહેરના પ્રશ્નોને કેન્દ્રમાં રાખી કાર્ય કરવા આ પહેલ કરવામાં આવી છે.

છેલ્લા સાત-આઠ મહિનાથી ભુજના વિવિધ વોર્ડના સક્રિય નાગરિકો અને આગેવાનો વચ્ચે શહેર માટે એક સજાગ અને સક્રિય નાગરિક મંચની જરૂરિયાત અંગે ચર્ચાઓ ચાલી રહી હતી. આ સંદર્ભે ગત ૧૯ સપ્ટેમ્બરના રોજ ભુજના વાગડ બે ચોવીસી ખાતે એક બેઠક યોજાઈ હતી. ભુજ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને ધારાશાસ્ત્રી અરુણભાઈ વચ્છરાજાનીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં ભુજના ૧૧ વોર્ડના સક્રિય કાર્યકરો, ભુજમાં કાર્યરત ‘હોમ્સ ઇન ધ સિટી’ (HIC) પ્રકલ્પના સભ્યો તેમજ સજાગ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. બેઠક દરમિયાન અરુણભાઈ વચ્છરાજાનીએ ભુજ શહેરના મહત્વના નાગરિક પ્રશ્નોને કેન્દ્રમાં રાખીને નાગરિકોની સામુદાયિક ભાગીદારીથી કાર્યરત જૂથ ઊભું કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ સાથે નાગરિક જૂથની કામગીરી માટેના પ્રસ્તાવિત નિયમો અને માળખા અંગે ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત સભ્યોના સૂચનો અને ચર્ચા બાદ નિયમોમાં જરૂરી સુધારા-વધારા કરવામાં આવ્યા હતા અને શહેરના મહત્વના તથા પ્રાથમિક પ્રશ્નોને જૂથની કામગીરીના કેન્દ્રમાં રાખવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

બેઠકમાં નાગરિક જૂથ માટે વિવિધ નામો અંગે ચર્ચા કર્યા બાદ ‘ભુજ સિટી કાઉન્સિલ’ નામ સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત આશરે ૪૦ સભ્યો સાથે સામાન્ય સભાની રચના કરવામાં આવી હતી. ‘ભુજ સિટી કાઉન્સિલ’ બિનરાજકીય નાગરિક જૂથ તરીકે ભુજ શહેરના વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા, સંવાદ અને સામુદાયિક પહેલને આગળ વધારશે. શહેરના વિવિધ વોર્ડમાંથી વધુ સક્રિય નાગરિકોને સામાન્ય સભામાં જોડવાની પ્રક્રિયા આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે. ત્યારબાદ સામાન્ય સભા દ્વારા સર્વાનુમતે કારોબારી સમિતિની રચના કરવામાં આવશે, તેમ અખબારી યાદીમાં જણાવાયું છે.

(9:23 AM IST)