News of Thursday, 23rd April 2026
જામનગર કોંગ્રેસમાં મોટું ગાબડું : પૂર્વ નગરસેવક નુરમામદ પલેજા 500 સમર્થકો સાથે કેસરીયા કરી ભાજપમાં જોડાયા
રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ ખેસ પહેરાવી પૂર્વ નગરસેવકો અને આગેવાનોને આવકાર્યા : વોર્ડ નંબર 1 માં ભાજપના શક્તિપ્રદર્શનથી કોંગ્રેસના સૂપડા સાફ થવાના સંકેત

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર:જામનગર મહાનગરપાલિકાની આગામી ચૂંટણીઓ પૂર્વે શહેરના રાજકારણમાં મોટા ઉલટફેર જોવા મળી રહ્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 1 માં કોંગ્રેસને જોરદાર ઝટકો આપતા પૂર્વ નગરસેવક નુરમામદ પલેજાએ પક્ષ સાથેના છેડા ફાડીને ભારતીય જનતા પાર્ટીનો દામન થામી લીધો છે. કોંગ્રેસમાં લાંબા સમયથી ચાલી રહેલી આંતરિક નારાજગી અને જૂથવાદને કારણે આ પક્ષપલટો થયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
ભવ્ય આવકાર કાર્યક્રમ:
જામનગર ભાજપ દ્વારા આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યમંત્રી રિવાબા જાડેજાએ પૂર્વ નગરસેવક નુરમામદ પલેજા, જેન્તીભાઇ પ્રજાપતિ અને યાકુબ અબ્બાસ ગાદ સહિતના મુખ્ય આગેવાનોને ભાજપનો ખેસ પહેરાવી વિધિવત રીતે પક્ષમાં આવકાર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે આશરે 500 જેટલા સમર્થકોએ પણ કોંગ્રેસને અલવિદા કહી ભાજપમાં જોડાઈને પ્રચંડ જનસમર્થન દર્શાવ્યું હતું.
કોંગ્રેસમાં નિરાશા, ભાજપ આત્મવિશ્વાસમાં:
વોર્ડ નંબર 1 માં ભાજપ દ્વારા કરવામાં આવેલા આ મોટા 'ઓપરેશન' ને કારણે કોંગ્રેસ છાવણીમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. બીજી તરફ, મજબૂત જનાધાર ધરાવતા પૂર્વ નગરસેવક અને તેમના સાથીદારોના આવવાથી ભાજપની પેનલનો વિજય હવે નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના વિકાસ કાર્યોથી પ્રેરાઈને અનેક લોકો ભાજપમાં જોડાઈ રહ્યા છે, જે જામનગરના વિકાસને નવી ગતિ આપશે.
આ પક્ષપલટા બાદ વોર્ડ નંબર 1 ના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. ભાજપના આગેવાનોએ દાવો કર્યો છે કે આવનારા દિવસોમાં હજુ પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે, જેનાથી વિપક્ષની પકડ વધુ નબળી પડશે. જામનગર કોંગ્રેસ માટે આ એક મોટો આંચકો સાબિત થયો છે જેની અસર મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો પર ચોક્કસપણે જોવા મળશે.
(11:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
