News of Monday, 11th May 2026
જન્મદિવસ જ અંતિમ દિવસ બન્યોઃ ધ્રોલના જાલીયા માનસર ગામે સુરાપુરા દાદાના દર્શને ગયેલી ૧૯ વર્ષીય યુવતીનું ઉંડ નદીમાં ડૂબી જવાથી કરુણ મોત

(સંજય ડાંગર ધ્રોલ) ધ્રોલ તા.૧૧: તાલુકાના જાલીયા માનસર ગામે આજે એક અત્યંત હૃદયદ્રાવક અને કમકમાટીભરી ઘટના સામે આવી છે, જેમાં જન્મદિવસની ખુશીઓ માતમના માહોલમાં ફેરવાઈ ગઈ હતી. જાલીયા માનસર ગામે રહેતી ૧૯ વર્ષીય ઈશીતાબેન વસંતભાઈ સોલંકીનો આજે જન્મદિવસ હોવાથી, તેઓ પરંપરા મુજબ આશીર્વાદ લેવા માટે ગામના પાદરે વહેતી ઉંડ નદીના કાંઠે આવેલ પોતાના કુળદેવતા સુરાપુરા દાદાના મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. દર્શન કરીને પરત ફરતી વખતે નદીના કિનારે હાથ-પગ ધોવા જતાં અચાનક પથ્થર પરથી પગ લપસી જતાં ઈશીતાબેન ઊંડા પાણીમાં ખાબક્યા હતા.
નદીના પાણીમાં ડૂબી રહેલી યુવતીને બચાવવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી તેમને બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર અર્થે ધ્રોલની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. જોકે, હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. જે દીકરીના ૧૯મા જન્મદિવસની ઉજવણી કરવાની પરિવારમાં તૈયારીઓ ચાલતી હતી, તેના જ મોતના સમાચાર મળતા પરિવારજનો પર આભ ફાટ્યું હતું અને હોસ્પિટલ પરિસરમાં જ કરુણ આક્રંદ છવાઈ ગયો હતો. આ બનાવ અંગે મૃતકના ભાઈ આકાશભાઇ વસંતભાઇ સોલંકીએ ધ્રોલ પોલીસને જાણ કરી હતી. બનાવની વિગત મળતા જ ધ્રોલ પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ આર.ડી. જાડેજાએ હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. જન્મદિવસના પવિત્ર દિવસે જ બનેલી આ હોનારતે સમગ્ર જાલીયા માનસર ગામમાં શોકનું મોજું ફેરવી દીધું છે.
(10:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
