News of Tuesday, 28th April 2026
અમરેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો :જિલ્લા પંચાયત સહિત તમામ 6 નગરપાલિકા પર કબજો
જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભાજપે 31 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી :આમ આદમી પાર્ટીને 2 બેઠકો જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક પર સીમિત રહી ગઈ

અમરેલી જિલ્લામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપે એકવાર ફરી પોતાનો દબદબો સાબિત કર્યો છે. જિલ્લા પંચાયતથી લઈને નગરપાલિકા અને તાલુકા પંચાયત સુધી ભાજપે ભવ્ય જીત નોંધાવી છે.
જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકોમાંથી ભાજપે 31 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. આમ આદમી પાર્ટીને 2 બેઠકો મળી છે, જ્યારે કોંગ્રેસ માત્ર 1 બેઠક પર સીમિત રહી ગઈ છે.
અમરેલીની તમામ 6 નગરપાલિકા પર ભાજપે કબજો જમાવ્યો છે. અમરેલી નગરપાલિકામાં 44માંથી 30 બેઠકો ભાજપે જીતી છે, જ્યારે કોંગ્રેસને 13 બેઠકો મળી છે અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ છે.
સાવરકુંડલા નગરપાલિકામાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે. કુલ 36 બેઠકોમાંથી ભાજપે 21 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે, જ્યારે કોંગ્રેસને 11 બેઠકો મળી છે.
જિલ્લામાં આવેલી 11 તાલુકા પંચાયતમાં ભાજપે 9 પર જીત મેળવી છે. બગસરા તાલુકા પંચાયત પર આમ આદમી પાર્ટી અને લીલીયા તાલુકા પંચાયત પર કોંગ્રેસે કબજો કર્યો છે. અમરેલી તાલુકા પંચાયતમાં ભાજપે 18માંથી 16 બેઠકો જીતીને બમ્પર જીત નોંધાવી છે.
આ જીત બાદ અમરેલી શહેરમાં ભાજપ કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ધોમધખતા તાપ વચ્ચે પણ કાર્યકર્તાઓ અને નેતાઓનો ઉત્સાહ સાતમા આસમાને જોવા મળ્યો હતો. રાજ્ય સરકારના ઉર્જા મંત્રી કૌશિક વેકરીયા ખુલ્લી જીપમાં બેસીને લોકોનું અભિવાદન સ્વીકારતા નજરે પડ્યા હતા. અમરેલી જિલ્લામાં ભાજપે ફરી એકવાર તેની મજબૂત બતાવી છે અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ પર પોતાનો દબદબો યથાવત રાખ્યો છે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
