<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th April 2026

જોડિયાના રાજકારણમાં ભાજપનો દબદબો: ભીખુભાઈ દલસાણીયાના ભાણેજ વહુ મયુરીબેન ગોધાણી પીઠડ બેઠક પર બિનહરીફ

વિપક્ષના ઉમેદવારોએ ફોર્મ ખેંચતા ભાજપની ઐતિહાસિક જીત, કાર્યકરોમાં વિજયઘોષ : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની રાજકીય આલમમાં મોટી હલચલ સાથે ભાજપે વિજય પતાકા લહેરાવી દીધા

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા.૧૫ : જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની રાજકીય આલમમાં આજે મોટી હલચલ સાથે ભાજપે વિજય પતાકા લહેરાવી છે. જોડિયાની પીઠડ જિલ્લા પંચાયત બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ પોતાનો મજબૂત ગઢ જાળવી રાખતા ઐતિહાસિક વિજય મેળવ્યો છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મયુરીબેન મૌલીકભાઈ ગોધાણી બિનહરીફ વિજેતા જાહેર થયા છે.

 

મયુરીબેન ગોધાણી ભાજપના દિગ્ગજ નેતા અને હાલ બિહાર સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયાના સગા ભાણેજ મૌલીકભાઈના ધર્મપત્ની છે. તેમના વિજયથી ગોધાણી અને દલસાણીયા પરિવાર સહિત ભાજપ સંગઠનમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

 

ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે રાજકીય સમીકરણોમાં જોરદાર પલટો આવ્યો હતો. ભાજપની મજબૂત વ્યૂહરચના સામે વિપક્ષના ઉમેદવારોએ મેદાન છોડી દીધું હતું. કોંગ્રેસના ઉમેદવાર મીનાબા લખધીરસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રફુલાબેન ચનિયારાએ પોતપોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી લેતા મયુરીબેન ગોધાણીનો વિજય બિનહરીફ અને નિશ્ચિત બન્યો હતો.

 

પૂર્વ મંત્રી હકુભા જાડેજા અને ધરમશીભાઈ ચનીયારાની પ્રેરક ઉપસ્થિતિમાં ભાજપે આ બેઠક પર પોતાની પકડ લોખંડી સાબિત કરી છે. આજે ફોર્મ ખેંચવાની મુદત પૂરી થતાની સાથે જ મયુરીબેન ગોધાણીને બિનહરીફ જાહેર કરાતા ભાજપ છાવણીમાં વિજયઘોષ ગાજી ઉઠ્યો હતો. કાર્યકરોએ ફટાકડા ફોડી અને અબીલ-ગુલાલની છોળો ઉડાડી આ ભવ્ય જીતને વધાવી લીધી હતી.

 

આ સફળતાએ જોડિયા પંથકમાં ભાજપના શક્તિશાળી સંગઠન અને નેતૃત્વનો ફરી એકવાર ડંકો વગાડી દીધો છે.

(2:21 PM IST)