News of Tuesday, 28th April 2026
જામ ખંભાળિયા નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો : 36માંથી 30 બેઠકો જીતીને મેળવી સ્પષ્ટ બહુમતી
આમ આદમી પાર્ટીએ 5 બેઠકો સાથે ખાતું ખોલાવ્યું જ્યારે 1 બેઠક અપક્ષના ફાળે ગઈ : ભાજપે લગભગ વોર્ડમાં પેનલ વિજય મેળવીને વિરોધ પક્ષોનો સફાયો કર્યો

કૌશલ સવજાણી દ્વારા, જામ ખંભાળિયા:જામ ખંભાળિયા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીના જાહેર થયેલા પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય જીત હાંસલ કરી છે. નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી ભાજપે 30 બેઠકો પર વિજય મેળવીને સત્તાના સૂત્રો મજબૂત રીતે સંભાળ્યા છે. આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટી એટલે કે ઝાડુના પક્ષે 5 બેઠકો મેળવી છે, જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે.
ચૂંટણીના વોર્ડવાર પરિણામો પર નજર કરીએ તો ભાજપનું પ્રભુત્વ સ્પષ્ટપણે જોવા મળે છે. વોર્ડ નં. 2, 3, 7, 8 અને 9 માં ભાજપની આખેઆખી પેનલનો ભવ્ય વિજય થયો છે. નોંધનીય છે કે વોર્ડ નં. 6 માં ભાજપની આખી પેનલ અગાઉ જ બિનહરીફ જાહેર થઈ હતી. આમ આદમી પાર્ટીએ વોર્ડ નં. 5 માં પોતાની આખી પેનલ જીતાડવામાં સફળતા મેળવી છે, જ્યારે વોર્ડ નં. 4 માં ભાજપે 3 બેઠકો અને આમ આદમી પાર્ટીએ 1 બેઠક મેળવી છે.
વોર્ડ નં. 1 ના પરિણામોમાં ભાજપને 3 બેઠકો મળી છે, જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી છે. સમગ્ર નગરપાલિકામાં ભાજપને મળેલી 30 બેઠકોએ વિપક્ષી ગણિતોને નિષ્ફળ સાબિત કરી દીધા છે. આમ આદમી પાર્ટી 5 બેઠકો સાથે મર્યાદિત રહી છે. આ ભવ્ય જીત બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સંગઠન દ્વારા વિજય સરઘસની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
(1:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
