<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th July 2026

જૂનાગઢના વિલિંગ્ડન ડેમ વિસ્તારના ડૂનર પરથી યુવકનો મૃતદેહ મળ્યો :ઝેરી દવા પી આપઘાત કર્યાનું અનુમાન

રાકેશભાઈ જેઠવા વિલીંગ્ડન ડેમ નજીક આવેલા ડુંગર પર ગયા હતા. જ્યાં તેમણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો

જૂનાગઢના પ્રખ્યાત વિલીંગ્ડન ડેમ વિસ્તારમાં ચકચારી ઘટના સામે આવી છે, જ્યાં ડુંગર પરથી એક યુવકનો મૃતદેહ મળી આવતા આ વિસ્તારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. મૃતકની ઓળખ ઝાંઝરડા રોડ વિસ્તારમાં રહેતા 40 વર્ષીય રાકેશભાઈ દિલીપભાઈ જેઠવા તરીકે કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આ કિસ્સો આત્મહત્યાનો હોવાનું જણાઈ રહ્યું છે, જેમાં યુવકે ઝેરી દવા પીને પોતાની જીવનલીલા સંકેલી લીધી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

 મળતી માહિતી મુજબ, રાકેશભાઈ જેઠવા વિલીંગ્ડન ડેમ નજીક આવેલા ડુંગર પર ગયા હતા. જ્યાં તેમણે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ અંગેની જાણ સ્થાનિકોને થતા તાત્કાલિક પોલીસ અને વન વિભાગના સ્ટાફને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ અને વન વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને ડુંગર પરથી નીચે ઉતારી કબજે કર્યો હતો. પોલીસે પરિવારજનોને આ દુઃખદ સમાચારની જાણ કરતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં આ યુવકે આટલું મોટું પગલું શા માટે ભર્યું, તે અંગેનું ચોક્કસ કારણ અકબંધ છે. પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે અને આસપાસના લોકોના નિવેદનો લેવાની પ્રક્રિયા પણ શરૂ કરાઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

આ દુર્ઘટનાએ ઝાંઝરડા રોડ વિસ્તારના રહીશોને હચમચાવી દીધા છે. પરિવાર પર આવી પડેલા આ આકસ્મિક આઘાતને કારણે સૌ કોઈ સ્તબ્ધ છે. પોલીસ તપાસ બાદ જ આ સમગ્ર ઘટનાનું સાચું કારણ બહાર આવી શકશે.

(11:27 PM IST)