News of Thursday, 22nd October 2026
તળાજાના રોયલ ગામની મહિલા દૂધ મંડળી દ્વારા બોનસ વિતરણ સમારોહ સંપન્ન : સભાસદો વચ્ચે રૂ. ૬.૪૭ લાખથી વધુનો નફો વહેંચાયો
સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત અને એમ.ડી. એચ.આર. જોષીની ઉપસ્થિતિમાં પશુપાલકોનું સન્માન : આધુનિક પશુપાલન અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન

તળાજા : તળાજા તાલુકાના રોયલ ગામે આવેલી શ્રી રોયલ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ. દ્વારા ગત ૨૧ ઓક્ટોબર ૨૦૨૬ના રોજ બોનસ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી, જનરલ મેનેજર, સહકાર મેનેજર, પ્રમુખ, મંત્રી, સુપરવાઈઝર, વ્યવસ્થાપક સમિતિના સભ્યો તેમજ મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદક સભાસદો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
રૂ. ૬.૪૭ લાખથી વધુના બોનસનું વિતરણ:
મંડળી દ્વારા દૂધ ભરતા તમામ સભાસદોને કુલ ₹ ૬,૪૭,૦૬૪.૧૦/- બોનસના રૂપમાં નફો વહેંચવામાં આવ્યો હતો. આ પ્રસંગે સૌથી વધુ દૂધ આપનાર પ્રથમ ૧ થી ૧૦ ક્રમાંક ધરાવતા સભાસદોને આમંત્રિત મહાનુભાવોના વરદ્ હસ્તે બોનસના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ તમામ દૂધ ઉત્પાદકોને તેમના દૂધના પ્રમાણમાં માતબર રકમ ચૂકવવામાં આવતા સભાસદોમાં ભારે હર્ષોલ્લાસ અને આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.
વૈજ્ઞાનિક પશુપાલન અને પાંચ ક્રાંતિઓનું માર્ગદર્શન:
કાર્યક્રમના અંતે સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષીએ પશુપાલકોને આધુનિક અને વૈજ્ઞાનિક અભિગમથી પશુપાલન કરવા અંગે ઉપયોગી માહિતી આપી હતી. તેમણે મંડળીના પ્રમુખ, મંત્રી તથા વ્યવસ્થાપક સમિતિના કાર્યો, ફરજો અને જવાબદારીઓ સમજાવવાની સાથે જિલ્લામાં શ્વેતક્રાંતિ બાદ આનુવાંશિક ક્રાંતિ માટે હાકલ કરી હતી. વધુમાં તેમણે સર્વોત્તમ ડેરી થકી ટૂંકાગાળામાં થયેલી પાંચ ક્રાંતિઓ—જેવી કે શ્વેતક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, આનુવાંશિક ક્રાંતિ અને આરોગ્ય ક્રાંતિ—વિશે સવિસ્તર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોતે ગાય આધારિત ઝીરો બજેટ અને પ્રાકૃતિક ખેતી વિશે વાત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ગ્લોબલ વોર્મિંગ અને દવાઓના વધુ છંટકાવને કારણે ખેતી ખર્ચાળ બની છે, જ્યારે તેના વિકલ્પે પશુપાલન ઓછું ખર્ચાળ અને વધુ નફો રળાઈ આપતો વ્યવસાય છે. તેમણે રોયલ મહિલા દૂધ મંડળીએ વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરી માતબર નફો કમાવા બદલ મંડળી અને તમામ સભાસદોને અભિનંદન પાઠવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સહકાર મેનેજર એમ.એ. ભાઈ કામળીયા દ્વારા કરવામાં આવ્યું હતું. (અહેવાલ - મુકેશ પંડિત)
(6:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
