News of Sunday, 26th April 2026
ધ્રોલ પંથકમાં લગ્નની વિદાય બાદ સાસરે જતા પહેલાં નવવધૂ રીધ્ધિ હિન્સુએ કર્યું મતદાન : લોકશાહી માટે અનોખું સમર્પણ
ખારવા ગામની દીકરીએ પરંપરાગત લગ્નપોશાકમાં સજ્જ થઈ નિભાવી નાગરિક ફરજ; પિતા રમેશભાઈ હિન્સુ સહિત પરિવાર રહ્યો ઉપસ્થિત; કહ્યું- "લગ્નના દિવસે પણ દરેક મતનું મૂલ્ય અમૂલ્ય"

(સંજય ડાંગર દ્વારા)ધ્રોલ તા.૨૬ : લોકશાહીના પર્વમાં મતદાનનું મહત્વ સમજાવતું એક પ્રેરણાદાયી દ્રશ્ય આજે ખારવા ગામે જોવા મળ્યું હતું. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીના માહોલ વચ્ચે, એક નવવધૂએ પોતાની લગ્નવિધિ અને વિદાય બાદ તરત જ મતદાન મથકે પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
ખારવા ગામની દીકરી રીધ્ધિ રમેશભાઈ હિન્સુના લગ્ન પ્રસંગ બાદ જ્યારે વિદાયનો સમય હતો, ત્યારે તેણે સાસરે જતાં પહેલાં મતદાન કરવાનું નક્કી કર્યું હતું. પરંપરાગત લગ્નપોશાકમાં સજ્જ થઈને રીધ્ધિ સીધી મતદાન મથક પર પહોંચી હતી અને ઉત્સાહપૂર્વક પોતાનો મત આપ્યો હતો.
આ અવસરે રીધ્ધિના પિતા રમેશભાઈ હિન્સુ અને અરવિંદભાઈ હિન્સુ સહિતના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. નવવધૂ દ્વારા મતદાન પ્રત્યે દર્શાવેલી આ જાગૃતતાને જોઈને ઉપસ્થિત તમામ ગ્રામજનોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
રીધ્ધિનું આ પગલું માત્ર તેના પરિવાર માટે જ નહીં, પરંતુ અન્ય મતદારો માટે પણ એક પ્રેરણારૂપ બન્યું છે. લગ્ન જેવા મહત્વના દિવસે પણ પોતાના નાગરિક ધર્મને પ્રાધાન્ય આપીને તેણે સાબિત કરી દીધું કે લોકશાહીમાં દરેક મતનું મૂલ્ય અમૂલ્ય છે.
(3:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
