News of Friday, 17th July 2026
ભગવાનના સ્મરણથી જીવનના દુઃખ, દર્દ અને શોક ભૂલાઈ જાયઃ ડો.મહાદેવપ્રસાદ મહેતા
પ્રભુ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાના આંગણે ભક્તિ અને આધ્યાત્મનો રંગ જામ્યોઃ મેંદરડાના શ્રી ખાખી મઢી રામજી મંદિર આશ્રમના મંદિર વિકાસ હેતુ શ્રી ખાખી મઢી રામજી મંદિર આશ્રમના મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુની આગેવાનીમા આયોજિત શ્રી રામકથા નો લાભ લેતા ભાવિકો : ધાર્મિક કાર્યોમાં મોબાઇલનો ઉપયોગ ટાળો અને એકાગ્રતા રાખો,માનવ જીવનના મૂલ્યોને સમજોઃ અયોધ્યાની શ્રી રામકથામાં મહામંડલેશ્વર પૂ. સુખરામદાસબાપુનો સંદેશ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૧૭: પ્રભુ શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાના આંગણે ભક્તિ અને આધ્યાત્મનો રંગ જામ્યો છે.જુનાગઢ જીલ્લાના મેંદરડાના શ્રી ખાખી મઢી રામજી મંદિર આશ્રમના મંદિર વિકાસ હેતુ
શ્રી ખાખી મઢી રામજી મંદિર આશ્રમના મહામંડલેશ્વર પૂ. સુખરામદાસબાપુની આગેવાનીમા કથાકાર ડો.મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને શ્રી રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કથાનો કાલે ગુરુવારે બીજો દિવસ હતો.આજે શુક્રવારે ત્રીજો દિવસ છે.કથાકાર ડો. મહાદેવ પ્રસાદ મહેતાના વ્યાસાસને આયોજિત શ્રી રામકથાનું દેશ-વિદેશના ભક્તો લાઈવ પ્રસારણ નીહાળી રહ્યા છે. અને શ્રી રામકથા લાખો ઘરોમાં પહોંચી છે.
વિદ્યા વાચસ્પતિ ડો.મહાદેવપ્રસાદ મહેતાએ જણાવ્યું હતું કે,શાસ્ત્રોની વાતોને શ્રવણ કરવી અઘરી છે. તેના માટે મનમાં એકાગ્રતા રાખવી જોઈએ. આજના સમયમાં લોકો પાસે સમયનો અભાવ છે, પરંતુ જો સાચા મનથી શાષોનું શ્રવણ કરવામાં આવે તો જીવનની દિશા બદલાઈ શકે છે.
ફક્ત પૂજા કરવી એમ નહીં, પરંતુ પૂજામાં એકાગ્રતા હોવી જોઈએ. મન ભટકતું હોય અને હાથમાં માળા હોય તો તેની કોઈ અસર થતી નથી. સાચી ભક્તિ તો ત્યારે જ થાય જ્યારે મન અને આત્મા એક થાય.
ડો.મહાદેવપ્રસાદ મહેતાએ જણાવ્યું હતું કે શ્રીરામ નામમાં જો સાચો પ્રેમ થઈ જાય તો બધા પુણ્યનું ફળ મળી જાય છે, ભગવાનનું સ્મરણ કરવાથી જીવનના ગમે તેવા દુઃખ, દર્દ અને શોક પણ ભૂલાઈ જાય છે. શ્રોતાઓને રોજિદા જીવનમાં થોડો સમય ભગવાનના નામ સ્મરણ માટે કાઢવા અને મનને શાંત રાખીને કામ કરવા પ્રેરણા આપી હતી.
મેંદરડા શ્રી ખાખી મઢી રામજી મંદિર આશ્રમના મહામંડલેશ્વર પૂ.સુખરામદાસબાપુએ જણાવ્યું હતું કે, માનવ જીવનના મૂલ્યોને સમજો,આજના સમયમાં લોકો નાની-નાની વાતમાં પણ મોબાઇલનો ઉપયોગ કરે છે. પરંતુ જ્યારે આપણે કથા કે કોઈપણ ધાર્મિક કાર્યમાં બેઠા હોઈએ ત્યારે મોબાઇલનો ઉપયોગ બને ત્યાં સુધી ટાળવો જોઈએ.
ધાર્મિક કાર્યોમાં એકાગ્રતા રાખો,જો મન ભટકતું રહેશે અને આપણે સ્ક્રીનમાં વ્યસ્ત રહીશું તો કથાનું સાચું ફળ નહીં મળે. ભગવાનનું નામ અને શાષોનું શ્રવણ કરવા માટે શાંત અને એકાગ્ર મન જરૂરી છે.
મહામંડલેશ્વર પૂ. સુખરામદાસ બાપુના આ સંદેશને ઉપસ્થિત ભક્તોએ ખૂબ આવકાર્યો હતો અને પોતાના જીવનમાં ઉતારવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ કથાનો મુખ્ય ઉદ્દેશ મેંદરડાના શ્રી ખાખી મઢી રામજી મંદિર આશ્રમના મંદિર વિકાસ માટે ભંડોળ એકત્રિત કરવાનો અને ભક્તોમાં ધાર્મિક જાગૃતિ લાવવાનો છે. કથામાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામની દિવ્ય ગાથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.પ્રભુ શ્રીરામના જીવન ચરિત્ર, આદર્શો અને મર્યાદાઓને વર્તમાન સમય સાથે સાંકળીને રજૂ કરવામાં આવે છે.
આ દિવ્ય કથા વિદ્યા વાચસ્પતિ ડો.મહાદેવપ્રસાદ મહેતા તેમની ઓજસ્વી વાણી અને સરળ શૈલી દ્વારા શ્રીરામની કથા ભક્તોના હૃદય સુધી પહોંચી રહ્યા છે.
શ્રી રામ જન્મભૂમિના પાવન સ્થળે યોજાતી આ કથામાં ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે.મેંદરડાના શ્રી ખાખી મઢી રામજી મંદિર દ્વારા મંદિરના વિકાસ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોમાં આ કથા એક મહત્વપૂર્ણ પગલું છે.
ભગવાન શ્રીરામનું જન્મ સ્થળ, અયોધ્યાની પૃષ્ઠભૂમિ અને ભક્તિમય વાતાવરણ સાથેનું આયોજન શ્રદ્ધાળુઓમાં નવો ઉત્સાહ અને ભક્તિભાવ જગાડે છે.(તસ્વીરઃ મુકેશ વાધેલા-જુનાગઢ)
(10:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
