News of Thursday, 17th September 2026
ઉમેદવારોના ફોર્મ કાયદેસર રીતે રદ કરાયા છેઃ ચૂંટણી જાહેર થયા પછી તેને અટકાવી શકાય નહીં
જસદણ તાલુકાની કાળાસર જૂથ સેવા સહકારી મંડળીની ચૂંટણી અટકાવવા થયેલ વચગાળાના સ્ટેની અરજી લવાદ કોર્ટ ફગાવી દીધી

રાજકોટ, તા.૧૭: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલી કાળાસર જૂથ સેવા સહકારી મંડળી લિમિટેડની વિવાદિત ચૂંટણી પ્રક્રિયામાં ઉમેદવારી ફોર્મ રદ થતાં ચૂંટણી પ્રક્રિયા રોકવા અને ફરીથી ચૂંટણી યોજવા અંગે વાદીઓ દ્વારા કરવામાં આવેલી વચગાળાના મનાઈ હુકમની માંગણીને લવાદ કોર્ટે ફગાવી દીધી છે. આ નિર્ણય સાથે જ મંડળીની ચૂંટણી પ્રક્રિયા કાયદેસર રીતે આગળ ધપાવવાનો માર્ગ મોકળો થયો છે.
આ કેસની હકીકત મુજબ જસદણના કાળાસર જૂથ સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની મુદત પૂર્ણ થતાં સામાન્ય બેઠક ૧૨,સ્ત્રી અનામત ૨, અનુસૂચિત જાતિ અને નાના-સીમાંત ખેડૂતની એક-એક જગ્યાઓ માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. ચૂંટણી અધિકારી સમક્ષ કુલ ૩૭ ઉમેદવારી પત્રો રજૂ થયા હતા. જોકે, તેમાંથી ૧૩ અરજદારોએ ફોર્મમાં કઈ ચોક્કસ બેઠક માટે ઉમેદવારી નોંધાવી છે તેનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો ન હતો. આથી ચૂંટણી અધિકારીએ કાયદાકીય જોગવાઈઓ મુજબ ૧૩ ઉમેદવારી પત્રો રદ કર્યા હતા અને ર૩ ઓગસ્ટના રોજ ૨૪ માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. ઉપરોકત ફોર્મ રદ થતાં ભાવેશભાઈ રામાણી સહિત ૯ નારાજ ઉમેદવારોએ રાજકોટની લવાદ કોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી અધિકારીએ ગેરકાયદેસર રીતે ફોર્મ રદ કરીને પોતાના મળતિયાઓને વિજેતા બનાવવાનો પ્રયાસ કર્યો છે. વાદીઓએ માંગ કરી હતી કે વર્તમાન ચૂંટણી પ્રક્રિયા રદ કરી, નવા ચૂંટણી અધિકારીની નિમણૂક કરીને સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવે તેવી માંગ કરી હતી. કાળાસર મંડળી અને ચૂંટણી અધિકારી વતી એડવોકેટ નિલેશ પટેલે રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના સ્થાપિત સિદ્ધાંતો મુજબ ચૂંટણી પ્રક્રિયા અટકાવી શકાય નહીં. ઉમેદવારોએ બેઠકની સ્પષ્ટતા ન કરી હોવાથી ફોર્મ રદ કરવાનો નિર્ણય સંપૂર્ણપણે નિયમાનુસાર છે. આ ઉપરાંત અન્ય માન્ય ઉમેદવારોને પક્ષકાર બનાવ્યા વિના પ્રક્રિયા રદ કરી શકાય નહીં સહિતની દલીલો ગ્રાહ્ય રાખી લવાદ કોર્ટે વાદીઓની વચગાળાની મનાઈ હુકમની અરજી રદ કરતો હુકમ કર્યો હતો.આ કેસમાં મંડળી વતી એડવોકેટ નિલેશ પટેલ, રિદ્ધિબેન પીલોજપરા, નિકુંજબેન સાકરિયા, એશા બુસા અને મહેક ચીકાણી રોકાયા હતા.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
