<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

લગ્ન પ્રસંગમાંથી ભુજ પરત ફરતા કારને અકસ્માત: એક મહિલાનું મોત:પરિવારના અન્ય ૬ સભ્યોને ઇજા

અકસ્માત એટલો ભયંકર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો:લગ્ન પ્રસંગની ખુશીઓ પલભરમાં માતમમાં ફેરવાઈ ગઈ

લગ્ન પ્રસંગની ખુશીઓ માણીને ભુજ તરફ પરત આવી રહેલા એક પરિવારની કારને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ ભયાનક માર્ગ અકસ્માતમાં કારમાં સવાર એક મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. અકસ્માત એટલો જોરદાર હતો કે, કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને લગ્ન પ્રસંગની ખુશીઓ પલભરમાં માતમમાં ફેરવાઈ ગઈ હતી.

 

પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં સવાર તમામ લોકો એક લગ્ન પ્રસંગ પતાવીને પોતાના ઘરે ભુજ તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન માર્ગમાં કાર પરથી ચાલકે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક મહિલાનું મોત થવાની સાથે કારમાં સવાર અન્ય 6 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અકસ્માતને પગલે હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા.

 

સ્થાનિક લોકો અને રાહદારીઓ દ્વારા અકસ્માત અંગે પોલીસ અને 108 એમ્બ્યુલન્સ સેવાને જાણ કરવામાં આવી હતી. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં કેટલાકની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતક મહિલાના શવને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.

(11:03 PM IST)