<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 18th May 2026

ચોટીલાના સાંગાણી ગામ પાસે કાર ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાઈ : એકનું મોત : 6 લોકોને ઇજા

કારમાં સવાર તમામ લોકો રાજકોટના રહેવાસી હતા. તેઓ કોઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર ચોટીલા તાલુકાના સાંગાણી ગામ પાસે એક બેકાબૂ કાર રોડની વચ્ચે આવેલા ડિવાઇડર સાથે ધડાકાભેર અથડાતાં ચકચાર મચી ગઈ છે. આ ભયાનક અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે કારમાં સવાર અન્ય છ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી છે

મળતી માહિતી મુજબ, કારમાં સવાર તમામ લોકો રાજકોટના રહેવાસી હતા. તેઓ કોઈ લગ્ન પ્રસંગમાં હાજરી આપીને ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન સાંગાણી ગામ નજીક કોઈ અગમ્ય કારણોસર કાર ચાલકે સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. કાબૂ બહાર ગયેલી કાર ફૂલ સ્પીડે ડિવાઇડર સાથે જઈ અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચીસાચીસ થઈ ગઈ હતી.

ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને હાઇવે પરથી પસાર થતા વાહનચાલકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા. તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલે ખસેડાયા હતા. આ તરફ સ્થાનિક પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મોકલીને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, હજુ ત્રણ દિવસ પહેલા જ આ જ હાઇવે પર ડામર ભરેલા ટેન્કર પાછળ બસ ઘૂસી જતાં સર્જાયેલા ભયાનક અકસ્માતમાં 4 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. એ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં ચોટીલા પાસે સર્જાયેલા આ બીજા અકસ્માતે હાઇવે પરની સુરક્ષા અને સ્પીડ લિમિટ સામે ફરી મોટા સવાલો ઉભા કર્યા છે.

(2:13 PM IST)