News of Thursday, 5th November 2026
ગોંડલના મુંગાવાવડીમાં કાર સળગાવી
ખેડુત ઇન્દ્રજીતસિંહ જાડેજાની ઘર બહાર પાર્ક સળગાવનાર અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદઃ તાલુકા પોલીસમાં નોંધાતો ગુનો

રાજકોટ તા. પઃ ગોંડલ તાલુકાના મુંગાવાવડી ગામે રહેતા ખેડુત આઘેડની ઘર બહાર પાર્ક કરેલી રૂા. ૧૦ લાખની કિંમતની કેટા કારની આસપાસ ઘાસના પુળા ગોઠવી અજાણ્યા શખ્સે સળગાવી નાખ્યાની ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ છે.
આ મામલે ગોંડલના મુંગાવાવડી ગામે રહેતા ખેડુત ઇન્દ્રજીતસિંહ ઉર્ફે ઓમદેવસિંહ રણજીતસિંહ જાડેજા (ઉ.વ. પ૧) એ અજાણ્યા શખ્સ સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું કે, ગઇ તા. રરના તેણે પોતાની કેટા કાર ઘરની બહાર આવેલા પતરાના શેડવાળા છાપરામાં પાર્કિંગ કરી રાત્રે સુઇ ગયા હતા. મોડી રાત્રે અઢી વાગ્યા આસપાસ તેના કાકાના દિકરા મહિધરસિંહ જાડેજાએ તેને ઉઠાડી અને તમારી બહાર પાર્કિંગમાં રાખેલી ગાડી સળગે છે! કહેતાં તેણે તત્કાલ બહાર જઇ જોતા તેની ગાડી આખી સળગતી હતી જેથી પાણીનો મારો ચલાવી આગ બુજાવી નાખી હતી ત્યારબાદ ત્યાં જઇને જોતા ગાડી આખી સળગી ગઇ હતી. જયારે ગાડીની પાછળના ભાગે ઘાસના પુળા સળગેલી હાલતમાં પડેલા હતા. જેથી ઘરમાં લગાવેલા સીસીટીવી ફુટેજ ચેક કરતા તેમાં રાત્રે સવા બે થી અઢી વાગ્યાની આસપાસ તેના ઘર પાસે અજાણ્યો શખ્સ માથે ઘાસના પુળા ઉપાડીને તેની કારની આજુબાજુ ગોઠવીને સળગાવતો હોવાનું કેદ થતા અંતે ફરીયાદ નોંધાવી હતી.
(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
