News of Friday, 15th May 2026
જામનગરમાં ટૂંક સમયમાં વસ્તી ગણતરી કામગીરી શરૂ થશે: સ્ટાફની વોર્ડ વાઇસ ફાળવણી કરી દેવાઈ
તા. ૧૭ થી ૩૧ મે ૨૦૨૬ સુધી ઓનલાઇન સ્વ ગણના, અને તા.૧ જૂન થી ૩૦ જૂન સુધી ઘરે ઘરે જઈ ગણતરી કરાશે

જામનગર: શહેરના વહીવટી તંત્ર દ્વારા જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં શહેરના તમામ નાગરિકોને જાણ કરવામાં આવે છે કે ભારત સરકાર દ્વારા હાથ ધરવામાં આવતી રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત રાજ્યમાં જનગણના ૨૦૨૭ ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. જનગણના એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે, જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસકાર્યોના આયોજન અને અમલીકરણ માટે ઉપયોગી બને છે.
જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વ-ગણના ની સુવિધા ૧૭ મે, ૨૦૨૬ થી ૩૧ મે, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે, જેના દ્વારા નાગરિકો નિર્ધારિત સ્વગણના પોર્ટલ (se.census.gov.in) પર પોતાની માહિતી સ્વયં નોંધાવી શકશે. ત્યારબાદ હાઉસ લિસ્ટિંગ ઓપરેશન ની કામગીરી ૧ જૂન, થી ૩૦ જૂન, ૨૦૨૬ દરમિયાન હાથ ધરવામાં આવશે, જેમાં જનગણના કર્મચારીઓ ઘર-ઘર જઈ માહિતી એકત્રિત કરશે.
શહેરના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ આ મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્યમાં સક્રિય સહભાગી બને અને સાચી તથા સંપૂર્ણ માહિતી આપે. જનગણના અંતર્ગત પ્રાપ્ત થતી તમામ માહિતી જનગણના અધિનિયમ મુજબ સંપૂર્ણપણે ગોપનીય રાખવામાં આવે છે અને તેનો ઉપયોગ માત્ર આંકડાકીય તથા વિકાસલક્ષી હેતુઓ માટે જ કરવામાં આવે છે.
જામનગર મહાનગરપાલિકાના મુખ્ય પ્રમુખ વસ્તી ગણતરી અધિકારી અને કમિશનર ડી.એન. મોદી અને તેના નિયંત્રણ હેઠળ સીટી સેન્સસ અધિકારી અને નાયબ કમિશનર ડી.એ. ઝાલા , આસિસ્ટન્ટ કમિશનર મુકેશભાઈ વરણવા અને વસ્તી ગણતરી શાખા કાર્યરત છે. જામનગર મહાનગરપાલિકા હદ વિસ્તારમાં કુલ ૮ ચાર્જ ઓફિસરોની નિમણુક કરવામાં આવેલ છે. તેમની નીચે ગણતરીદાર/સુપરવાઈઝરની નિમણુંક કરવામાં આવેલ હોય, દરેક પાસે સહીવાળા ઓળખ કાર્ડ આપવામાં આવેલ છે. જામનગર મહાનગર પાલિકાના વોર્ડ માટે નિમણુંક પામેલા ચાર્જ ઓફિસરોની વિગત માં
તુષારભાઈ મેહતા વોર્ડ નં ૧ અને ૨ , રાકેશભાઈ એમ માકડિયા વોર્ડ નંબર ૩ અને ૪,નવા નાગના, જુના નાગના,
વિભાપર , કિશોરસિંહ જી. વાળા વોર્ડ નંબર ૫ અને ૬
અરવિંદભાઈ પટેલ વોર્ડ નંબર ૭ અને ૮ , પ્રતિકભાઈ જાવિયા વોર્ડ નંબર ૯ અને ૧૦ , ભાવેશભાઈ .જે .ટાંક
વોર્ડ નંબર ૧૧ અને ૧૨, મોરકંડા , સમીરા જીવાણી
વોર્ડ નંબર ૧૩ અને ૧૫ , તથા વિપુલભાઈ સંતોકી વોર્ડ નંબર ૧૪ અને ૧૬ ને જવાબદારી સોંપવામાં આવી છે.
જામનગર મહાનગરપાલિકાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે તેઓ જનગણના અધિકારીઓ અને કર્મચારીઓને સંપૂર્ણ સહકાર આપે અને જનગણના ૨૦૨૭ ને સફળ બનાવવ યોગદાન આપે .તેવી અપીલ સિટી સેન્સેસ અધિકારી એ કરી છે.
(8:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
