<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th November 2026

પોરબંદરમાં ફુડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગની ટીમ દ્વારા ચેકિંગઃ ૧૮ કિલો દાઝેલા તેલનો નાશ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૪: દિવાળીના તહેવારોને અનુલક્ષીને મહાનગરપાલિકા અને ફૂડ એન્‍ડ ડ્રગ્‍સ વિભાગ દ્વારા ખાદ્યચીજનું ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્‍તારોમાં ૩૪ ખાદ્ય એકમોની તપાસ દરમિયાન ૧૮ કિલો બિનઆરોગ્‍યપ્રદ દાઝેલા ખાદ્યતેલનો નાશ કરાયો અને રૂ. ૩,૪૫૦નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો.

આ ચેકિંગ કામગીરી અંતર્ગત કમલા બાગ, એમ.જી. રોડ, લિબર્ટી ક્રોસ રોડ, નટવર ચોક, માણેક ચોક, શીતળા ચોક, નરસંગ ટેકરી, આશાપુરા ચોક, માર્કેટિંગ યાર્ડ તથા જુબેલી વિસ્‍તાર સહિત શહેરના વિવિધ વિસ્‍તારોમાં આવેલી દુકાનો, નાસ્‍તાગળહો, રેસ્‍ટોરન્‍ટ્‍સ અને લારીઓમાં ચેકિંગ કરવામાં આવ્‍યું હતું. મીઠાઈ, ફરસાણ, ગાંઠિયા, ઘૂઘરા, બ્રેડ પકોડા, ફાસ્‍ટફૂડ સહિતની ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ ૩૪ એકમોની તપાસ કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન તમામ ધંધાર્થીઓને દુકાન તથા આસપાસના વિસ્‍તારમાં સ્‍વચ્‍છતા જાળવવા, ઉઘાડા અને વાસી ખાદ્યપદાર્થોનું વેચાણ ન કરવા, દાઝેલા ખાદ્યતેલનો પુનઃઉપયોગ ટાળવા તેમજ ફૂડ સેફ્‌ટી સંબંધિત તમામ નિયમોનું ચુસ્‍તપણે પાલન કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

ચેકિંગ દરમિયાન ધંધાર્થીઓ દ્વારા વપરાશમાં લેવામાં આવતા ખાદ્યતેલની ગુણવત્તા ચકાસવા માટે ટેસ્‍ટો મીટરનો ઉપયોગ કરવામાં આવ્‍યો હતો. તપાસમાં ૮ ધંધાર્થીઓના ખાદ્યતેલની વેલ્‍યુ ૨૫થી વધુ જણાઈ આવી હતી. ફૂડ સેફ્‌ટીના નિયમો અનુસાર બિનઆરોગ્‍યપ્રદ બનેલા આવા ખાદ્યતેલનો ઉપયોગ અટકાવવા સંબંધિત સ્‍થળો પરથી કુલ ૧૮ કિલો દાઝેલા ખાદ્યતેલનો નાશ કરાવવામાં આવ્‍યો હતો. જેમાં શિવમ એન્‍ટરપ્રાઇઝ (મુંબઈ ચા વડાપાવ), વાડી પ્‍લોટમાંથી ૨ કિલો, જય જલારામ ગાંઠિયાની લારી, કમલા બાગ પાસેથી ૧ કિલો, શ્રદ્ધા ઘૂઘરા, પ્‍લાઝા ક્રોસ લેનમાંથી ૨ કિલો, એલ.બી. શિંગોડા, પ્‍લાઝા ક્રોસ લેનમાંથી ૧ કિલો, ચામુંડા ફરસાણ, નટવર ચોકમાંથી ૬ કિલો, મધુરમ સ્‍વીટ્‍સ, નરસંગ ટેકરીમાંથી ૩ કિલો, ભગીરથ ગાંઠિયા, નરસંગ ટેકરીમાંથી ૧ કિલો તથા ચામુંડા રેસ્‍ટોરન્‍ટ, માર્કેટિંગ યાર્ડ પાસેથી ૨ કિલો દાઝેલા ખાદ્યતેલનો નાશ કરવામાં આવ્‍યો હતો. આ ઉપરાંત નિયમોના ભંગ બદલ સંબંધિત ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ. ૩,૪૫૦નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્‍યો હતો.

(11:54 AM IST)