News of Saturday, 28th November 2026
દ્વારકાના જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીનાં દર્શન કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પૂજા-અર્ચના કરી
ગુજરાત રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ, સમૃદ્ધિ અને રાજ્યના સર્વાંગી વિકાસ માટે ભગવાન દ્વારકાધીશજીના ચરણોમાં પ્રાર્થના કરી : પૂનમબેન માડમ, મુળુભાઈ બેરા, પબુભા માણેક સહિતના ઉપસ્થિત

(વિનુભાઈ સામાણી- કૌશલ સવજાણી દ્વારા) દ્વારકા-ખંભાળિયા તા.૨૮ : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પવિત્ર યાત્રાધામ દ્વારકાની મુલાકાત દરમિયાન જગત મંદિર ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરી પૂજા-અર્ચના કરી હતી. આ પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીએ ભગવાન શ્રી દ્વારકાધીશજીના ચરણોમાં શીશ ઝુકાવી રાજ્યની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ અને નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીના દર્શન કરી ધન્યતાની અનુભૂતિ કરી હતી. તેમણે ભગવાન શ્રી દ્વારકાધીશજીના આશીર્વાદ મેળવી ગુજરાત રાજ્ય વિકાસ, પ્રગતિ અને સમૃદ્ધિના નવા શિખરો સર કરતું રહે તેમજ રાજ્યના તમામ નાગરિકોના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી ભાવના વ્યક્ત કરી હતી.
મુખ્યમંત્રીશ્રીની દેવભૂમિ દ્વારકા મુલાકાતથી પવિત્ર યાત્રાધામની ધાર્મિક ગરિમા અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત પ્રત્યેની તેમની શ્રદ્ધા અને આસ્થા પ્રગટ થઈ હતી.
શ્રીદ્વારકાધીશ મંદિર ટ્રસ્ટ, જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્ના તેમજ પૂજારી દ્વારા મુખ્યમંત્રીશ્રીનું દ્વારકાધીશની છબી અર્પણ કરી અને ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ વેળાએ સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય મુળુભાઈ બેરા અને પબુભા માણેક, જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, અગ્રણીશ્રી મયુરભાઈ ગઢવી, જિલ્લા પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા, પ્રાંત અધિકારી યશપાલ ગઢવી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીર:દિપેશ સામાણી-દ્વારકા)
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
