News of Thursday, 10th September 2026
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો વિસાવદર માટે મહત્વપૂર્ણ નિર્ણય : બાયપાસ રોડના પ્રથમ તબક્કાની કામગીરી માટે રૂ. ૨૦ કરોડ મંજૂર
સ્થાનિક પદાધિકારીઓ અને નાગરિકોની રજૂઆતનો ત્વરિત પ્રતિસાદ : જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ અને ડીપીઆર સહિતની પ્રક્રિયાઓ હાથ ધરાશે, યાત્રાધામો તથા પ્રવાસન સ્થળો તરફ જતા વાહનવ્યવહારના ટ્રાફિકનું ભારણ હળવું થશે

અશ્વિન વ્યાસ દ્વારા, ગાંધીનગર: જૂનાગઢ જિલ્લાના વિસાવદર શહેર ફરતે વાહનવ્યવહારની સરળતા અને ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણ અર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે એક મહત્વપૂર્ણ પ્રજાહિતલક્ષી નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીએ વિસાવદર ખાતે બગસરા, જેતપુર સ્ટેટ હાઇવેથી વિસાવદર, સતાધાર, સાસણગીર સ્ટેટ હાઇવે સુધી બાયપાસ રોડ બનાવવા માટે બાંધકામ પહેલાની પ્રાથમિક પ્રવૃત્તિઓ અર્થે પ્રથમ તબક્કામાં રૂ. ૨૦ કરોડની રકમ મંજૂર કરી છે.
સ્થાનિક પદાધિકારીઓ અને વિસાવદરના નગરજનો દ્વારા વિસાવદર શહેર ફરતે બાયપાસ રોડ બનાવવા અંગે રજૂઆતો કરવામાં આવી હતી, જેને ધ્યાને લઈને મુખ્યમંત્રીએ માર્ગ અને મકાન વિભાગને આ રકમ ફાળવવાની સકારાત્મક મંજૂરી આપી છે. આ ફાળવવામાં આવેલી રકમનો ઉપયોગ પ્રથમ તબક્કાની કામગીરી અંતર્ગત જમીન સંપાદન, યુટિલિટી શિફ્ટિંગ, ડી.પી.આર. (ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ) જેવી મહત્વની બાંધકામ પૂર્વની પ્રવૃત્તિઓ માટે કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે વિસાવદર શહેરની સમીપમાં સતાધાર યાત્રાધામ, સાસણગીર ફોરેસ્ટ, પૌરાણિક કનકેશ્વરી મંદિર, રૂપાલધામ રામપરા, નાગબાઈ મંદિર રામપરા અને સંત રોહીદાસ મંદિર સરસઈ જેવાં પ્રસિદ્ધ તીર્થધામો અને પ્રવાસન સ્થળો આવેલાં છે, જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આવે છે. આ ઉપરાંત અમરેલીથી સોમનાથ જવાનો મુખ્ય માર્ગ પણ વિસાવદરમાંથી પસાર થાય છે, તેમજ બગસરા, જેતપુર, ધારી, સાવરકુંડલા, સતાધાર, જૂનાગઢ, મેંદરડા અને કેશોદને જોડતા સ્ટેટ હાઇવે પણ વિસાવદર શહેરમાંથી જ પસાર થાય છે.
આ તમામ માર્ગોના સંગમ સ્થાનને કારણે વિસાવદરના શહેરી વિસ્તારમાં સતત ભારે ટ્રાફિકનું ભારણ રહે છે. આ ટ્રાફિકની ગંભીર સમસ્યાને હળવી કરવા અને વાહનચાલકોની અવરજવર સુગમ બનાવવા માટે વિસાવદર બાયપાસ રોડનું નિર્માણ અત્યંત જરૂરી બન્યું હતું, જેને અનુલક્ષીને રાજ્ય સરકારે આ પ્રાથમિક મંજૂરી આપીને કામગીરી વેગવંતી બનાવી છે.
(5:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
