<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 6th November 2026

માળીયામિંયાણાના નવલખી બંદર પાસે દરિયાની ખાડીમાંથી બાળકના કંકાલ મળી આવ્‍યા

ભેદભરમના આટાપાટા સર્જતી ઘટના અને માળીયામિંયાણા પોલીસે તપાસ હાથ ધરી

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા.૬: માળિયા મિયાણા તાલુકાના નવલખી બંદર નજીક આવેલી જુમાવાડી વિસ્‍તારમાં દરિયાઈ ખાડી નજીકથી એક અજાણ્‍યા બાળકના હાડપિંજરના અવશેષો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સમગ્ર ઘટના અંગે માછીમારે માળીયા મિયાણા પોલીસને જાણ કરતા પોલીસે અજાણ્‍યા બાળકના કંકાલને કબ્‍જે લઈ ફોરેન્‍સિક પીએમ કરવવાની તજવીજ શરૂ કરી બાળકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રહસ્‍યમય રીતે મળી આવેલ બાળકના કંકાલની ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા મિયાણા તાલુકાના નવલખી બંદર પાસે આવેલ જુમાવાડીમાં રહેતા અને મચ્‍છીમારીનો વ્‍યવસાય ક૨તા અકબરભાઈ હારૂનભાઈ સાઈચાએ માળિયા મિયાણા પોલીસ મથકમાં જાણ કરી હતી કે ગત તા.૪ના રોજ બપોરના સમયે દરિયાઈ ખાડી વિસ્‍તારમાં વેણ પાસેથી અજાણ્‍યા માનવ બાળકના કંકાલના અવશેષો મળી આવ્‍યા છે. બનાવની જાણ થતાં જ માળીયા મિયાણા પોલીસે બાળકના કંકાલના અવશેષો કબ્‍જે કરી અકસ્‍માતે મળત્‍યુ અંગે નોંધ કરી છે. આ અવશેષો કોના છે અને મોત કયા સંજોગોમાં નિપજ્‍યું છે, તે દિશામાં પોલીસે વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(1:17 PM IST)