તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ માગશર વદ – ૧૫ સોમવાર
News of Thursday, 29th October 2026
ધોરાજીના પોસ્ટ ઓફિસ ચોક પાસે બે જૂથ વચ્ચે અથડામણઃ મામૂલી બાબતમાં મારામારી
વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળના કાર્યકર્તા પર હુમલાનો આક્ષેપ, VHPના આગેવાનો મોડી રાત સુધી પોલીસ સ્ટેશને હાજર; પોલીસે બંને પક્ષે સામસામે ગુના નોંધી તપાસ હાથ ધરી

ધોરાજી, તા.૨૯: ધોરાજીની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા અર્જુન શૈલેષભાઈ પાલ ભરવાડ (ઉં.વ.૨૨) બપોરે પોસ્ટ ઓફિસ રોડથી SBI બેંક તરફ જતા હતા ત્યારે સામેથી આવતી અન્ય મોટરસાયકલ સાથે સામાન્ય અથડામણ થઈ હતી. આ મામૂલી બાબતે બોલાચાલી ઉગ્ર બની હતી અને બંને તરફથી લોકોના ટોળા એકઠા થઈ જતા મામલો બીચકયો હતો.
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મારામારી દરમિયાન ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને નજીકની ચાની હોટલમાંથી ચા બનાવવાનો ડોયો લઈને હુમલો કરાયો હતો. લગભગ અડધો કલાક સુધી પોસ્ટ ઓફિસ રોડ પર ભારે ભીડ જામી હતી. બનાવ બાદ પોલીસની કામગીરીને લઈને સ્થાનિકોમાં ચર્ચા જોવા મળી હતી.
ઘટના બાદ રાત્રિના સમયે ધોરાજી પોલીસ સ્ટેશનમાં બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદી અર્જુન શૈલેષભાઈ પાલ (રહે.વિશ્વકર્મા સોસાયટી, ધોરાજી)એ નોંધાવેલ ફરિયાદ મુજબ - ફન્ટી કાદરી, મોહસીન કલિવાલા, રસીદ રફાઈ, ઈમ્તિયાઝ કલિવાલા અને શબીર ખલીફા સહિત પાંચ નામજોગ અને અન્ય ૨૦ જેટલા અજાણ્યા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે પોલીસે BNS કલમ ૧૧૫(૩), ૩૫૨, ૩૫૧(૩), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૨(૧), ૧૮૯ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સામા પક્ષે ફરિયાદી મોસીનમિયાં ઈબ્રાહીમમિયાં સૈયદ (રહે.બહારપુરા)એ નોંધાવેલ ફરિયાદ મુજબ - અર્જુન શૈલેષભાઈ પાલ, રાજેશ હરેશભાઈ પાલ, શૈલેષ યોગેશ્વર પાલ અને મનીષ નવીનભાઈ પાલ એમ ચાર શખ્સોએ પોસ્ટ ઓફિસ રોડ, SBI બેંક પાસે ગેરકાયદે મંડળી રચી માર મારી ધમકી આપી હતી. આ અંગે પોલીસે BNS કલમ ૧૧૫(૨), ૩૫૧(૩), ૧૯૦, ૧૯૧(૨), ૧૯૨(૧) મુજબ ગુનો નોંધ્યો છે.
બનાવમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તા પર હુમલો થયાના સમાચાર મળતા જ VHP અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરો ધોરાજી સરકારી હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન ખાતે મોડી રાત સુધી હાજર રહ્યા હતા અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.
હાલ ધોરાજી પોલીસે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બંને પક્ષની ફરિયાદો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
(1:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
