તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Saturday, 21st November 2026
સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીએ દેખા દીધીઃ અમરેલી ૧૧.૪, નલીયા ૧૧.૮ ડીગ્રી
લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા વહેલી સવારે અને રાત્રે ઠંડીની વધુ અસરઃ જો કે બપોરે ગરમીનો અહેસાસ

રાજકોટ તા.૨૧: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીએ દેખા દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી લઘુતમ તાપમાનનો પારો ધીમે ધીમે નીચે ઉતરવા લાગ્યો છે, જેના કારણે સવાર-સાંજ ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે.
વહેલી સવારે અને રાત્રિના સમયે ઠંડીની વધુ અસર અનુભવાય છે. વહેલી સવારે કામે જતા લોકો, શાળાએ જતા બાળકો અને મોર્નિંગ વોક પર જતા લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. રાત્રે પણ ઠંડક વધતા લોકોએ હવે પાતળા ધાબળા અને સ્વેટર પહેરવાની શરૂઆત કરી દીધી છે.
જોકે બપોરના સમયે ગરમીનો અહેસાસ યથાવત છે. બપોરે તડકો લાગતા લોકોને હજુ પણ ગરમી લાગી રહી છે. આમ દિવસ દરમિયાન બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ અસર થઈ રહી છે. શરદી-ઉધરસના કેસમાં વધારો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધવાની શકયતા છે. ઉત્તરના ઠંડા પવનો ફૂંકાતા લઘુતમ તાપમાનમાં હજુ ઘટાડો થઈ શકે છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બજારોમાં પણ હવે ગરમ કપડાંની ખરીદી માટે લોકોની ભીડ જોવા મળી રહી છે.
છેલ્લા ઘણા સમયથી તાપમાનનો પારો તેની ઉંચાઇએ સ્થિર રહયા બાદ સતત ગરમીનો અહેસાસ રહેતો હતો ત્યાં જ શુક્રવારે ગઇકાલે સવારથી એકાએક ઠંડી શરૂ થઇ જતા લોકો પણ ગમર કપડાની વ્યવસ્થામાં જોતરાઇ ગયા છે.
કચ્છ
(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કચ્છમાં પણ આજે ઠંડીનો ચમકારો અનુભવાયો છે. નલીયામાં ૧૧.૮, ભુજમાં ૧૭.૩ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ છે.
ભાવનગર
ભાવનગરઃ શહેરમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. લઘુત્તમ તાપમાન ચાર ડિગ્રી ગગડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે સવારે લઘુત્તમ તાપમાન ૧૬.૮ ડિગ્રી નોંધાયું છે. લઘુત્તમ તાપમાનની સાથે બપોરે મહત્તમ તાપમાન ગગડીને ૨૯.૫ ડિગ્રી સેન્ટીગ્રેડ થઈ ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા બાદ ઉત્તર-પૂર્વના ઠંડા પવનોની અસરથી તાપમાનમાં ઘટાડો થયો છે.
બીજી તરફ, ૨૪ કલાક અગાઉ લઘુત્તમ તાપમાન ૨૦.૬ ડિગ્રી સેન્ટીગ્રેડ હતું, જેમાં નોંધપાત્ર ઘટાડો થઈને આજે ૧૬.૮ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું હતું. આજે શનિવારે ભાવનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૧૬.૮ ડિગ્રી નોંધાયું છે. જ્યારે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા રહ્યું હતું, જ્યારે પવનની ઝડપ ૪ કી.મી. પ્રતિ કલાકની રહી હતી.
તાપમાનમાં થયેલા ઘટાડાને કારણે વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સવારે ફરવા નીકળતા લોકો અને નોકરી-ધંધે જતા લોકોએ ગરમ કપડાંનો ઉપયોગ કરવો પડ્યો હતો.
આગામી દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધુ વધવાની શકયતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.
કયાં કેટલી ઠંડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૬.૦ ડીગ્રી
અમરેલી ૧૧.૪ ડીગ્રી
બરોડા ૧૩.૪ ડીગ્રી
ભાવનગર ૧૬.૮ ડીગ્રી
ભુજ ૧૭.૩ ડીગ્રી
દમન ૧પ.ર ડીગ્રી
ડીસા ૧૬.૦ ડીગ્રી
દીવ ૧પ.૮ ડીગ્રી
દ્વારકા ૧૯.૧ ડીગ્રી
ગાંધીનગર ૧ર.૦ ડીગ્રી
કંડલા ૧૭.ર ડીગ્રી
નલીયા ૧૧.૮ ડીગ્રી
પોરબંદર ૧૪.૦ ડીગ્રી
રાજકોટ ૧૩.ર ડીગ્રી
સુરત ૧૬.૬ ડીગ્રી
સુરેન્દ્રનગર ૧૬.૪ ડીગ્રી
વેરાવળ ૧૮.૪ ડીગ્રી
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
