<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 24th September 2026

જાદુના રંગો અને સ્નેહની હૂંફથી ખીલ્યાં બાળકોનાં ચહેરાં: ભુજમાં સંસ્થાકીય બાળકો માટે યોજાયો આનંદોત્સવ

સાંસ્કૃતિક કાર્યક્રમ, મેજિક શો સાથે સૌના સ્નેહભર્યા પ્રોત્સાહનથી ગુંજી ઊઠ્યું બાળપણ; જનકલ્યાણ મેડિકલ ટ્રસ્ટ, માંડવી દ્વારા ઉપયોગી કીટનું વિતરણ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪ : બાળકોના જીવનમાં ખુશીની ક્ષણો ઉમેરવા અને સંસ્થાકીય સંભાળ હેઠળ રહેતા બાળકોના માનસિક ઉલ્લાસ તથા સર્વાંગી ઉત્સાહવર્ધનના હેતુથી ભુજ ખાતે સ્નેહસભર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, કચ્છના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં બાળકોના ચહેરા પર ખુશી અને હૈયામાં આત્મવિશ્વાસની લાગણી જોવા મળી હતી. ભુજના શ્રી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ તથા S.O.S. ચિલ્ડ્રન વિલેજ ઇન્ડિયા સંચાલિત ગર્લ્સ અને બોયઝ હોમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. ત્યારબાદ જાદુગર ઇન્દ્રજીત દ્વારા રજૂ કરાયેલા અવનવા જાદુના ખેલે બાળકોને ભારે રોમાંચિત કર્યા હતા અને હોલ બાળકોના હાસ્ય-કિલકિલાટથી ગુંજી ઉઠ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિશેષ સ્વાદિષ્ટ ભોજનની વ્યવસ્થા ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી શિતલભાઈ શાહ, ભાજપ શહેર પ્રમુખ શ્રી મીતભાઈ ઠક્કર, શ્રી જયંતભાઈ ઠક્કર, શ્રીમતી માનસીબેન શાહ, શ્રી ધીરેનભાઈ લાલન અને શ્રી જયદીપસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ દ્વારા કરવામાં આવી હતી. સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે શ્રી જનકલ્યાણ મેડિકલ ટ્રસ્ટ, માંડવી દ્વારા પણ ઉમદા સહયોગ આપવામાં આવ્યો હતો. ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિરણભાઈ સંઘવી, ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ શાહ અને શ્રી મહેશભાઈ સોની દ્વારા બાળકોને રોજિંદા જીવનમાં ઉપયોગી વિવિધ વસ્તુઓની કીટનું સ્નેહપૂર્વક વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટની આ સેવાકીય પહેલને ઉપસ્થિત મહાનુભાવોએ બિરદાવી હતી.

આ પ્રસંગે ડેપ્યુટી જિલ્લા ઇલેક્શન ઓફિસર શ્રી વિવેક બારહટ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી દશરથ દેસાઈ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વિપુલ ડોરિયા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી હિતેન્દ્ર અમિધર તેમજ સંગઠનના તાલુકા પ્રમુખ શ્રી અશોકભાઈ બરાડીયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ બાળકો સાથે આત્મીયતાથી સમય વિતાવી તેમની સુષુપ્ત પ્રતિભાને પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

કાર્યક્રમના સફળ આયોજન બદલ જિલ્લા બાળ સુરક્ષા એકમ અને S.O.S. સંસ્થાના શ્રી દિપાંકર બેનરજી સહિત સંસ્થાના તમામ સહયોગી કર્મચારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંસ્થાના પ્રમુખ શ્રીમતી કમળાબેન વ્યાસ, મંત્રી શ્રીમતી દિપાલીબેન શુક્લ, સુશ્રી ઈલાબેન તેમજ સુશ્રી ભક્તિબેન, સુશ્રી કોમલબેન અને સુશ્રી મીનાક્ષીબેન સહિતના સ્ટાફે કાર્યક્રમની સફળતા માટે મહેનત કરી હતી.

આ સમગ્ર કાર્યક્રમ માત્ર મનોરંજન પૂરતો સીમિત ન રહેતા બાળકોને સ્નેહ, સ્વીકાર, પ્રોત્સાહન અને પોતાની પ્રતિભા વ્યક્ત કરવાની તક આપતો સંવેદનશીલ પ્રયાસ બની રહ્યો હતો.

(9:36 AM IST)