<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

ભુજની પાલારા જેલમાં જેલ સહાયક ઉપર કેદીઓના હુમલાને પગલે ચકચાર

રાજ્‍યની દુર્ગમ ગણાતી કચ્‍છની પાલારા જેલમાં વારંવાર મોબાઇલ ફોન, સીમ કાર્ડ ઝડપાવાના બનાવો, કેદીઓ વચ્‍ચે મારામારીના બનાવો જેવા ચકચારી કિસ્‍સાઓ પણ જૂની તપાસો હજી અધૂરી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૪: ભુજની પાલારા જેલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. કાયદો અને વ્‍યવસ્‍થા સુધારવાની કામગીરી કરતી જેલમાં જ કાયદો વ્‍યવસ્‍થા કથળી રહ્યા છે. જેલના સહાયક સુરક્ષા ગાર્ડ પ્રિતેશ શાંતિલાલ વડાવિયા ઉપર જેલમાં બંધ કાચાકામના બે કેદીઓ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કરવાના આ બનાવે ચકચાર સાથે જેલ સલામતી સામે ચર્ચા અને સવાલો સર્જ્‍યા છે. સજ્જનસિંઘ હરવંતસિંઘ રાયસિંઘ અને વિજયસિંઘ મલકીતસિંઘ રાયસિંઘ નામના કેદીઓએ હુમલો કર્યો હતો. આ બંને કેદી હત્‍યાના આરોપીઓ છે. હાલ ઈજાગ્રસ્‍ત જેલ સુરક્ષા ગાર્ડ સારવાર હેઠળ છે. તીક્ષ્ણ હથિયાર કયાંથી આવ્‍યું? એ ચર્ચા વચ્‍ચે પોલીસે ગુનો નોંધી આગળની કાયદાકીય કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. જોકે, ભુજની પાલારા જેલમાં અગાઉ મારામારી, મોબાઇલ સીમ, મોબાઇલ ફોન અંગે ગુનાઓ નોધાઇ ચૂકયા છે પણ સીમ કાર્ડ ટ્રેસ કરી એ ગુનાઓ સુધી પહોંચી શકાયું નથી. જૂની તપાસો હજી અધૂરી છે. કડકાઈ સાથે કામગીરી થાય તો જ જેલની ધાક બેસે.

(10:36 AM IST)