<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 5th May 2026

અમરેલીના રાજુલામાં પ્રેમ સબંધનો ગુનાહિત અંજામ :નિંગાળા નજીક યુવકનું અપહરણ :માતા પર કાર ચડાવી નિર્દયી હત્યા

યુવતીના પરિવારજનો દ્વારા યુવક અને તેની માતા પર પૂર્વ આયોજનબદ્ધ હુમલો :સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નીંગાળા ગામ નજીક પ્રેમસંબંધને લઈ ગંભીર ગુનાખોરીની ઘટના સામે આવી છે. યુવતીના પરિવારજનો દ્વારા યુવક અને તેની માતા પર પૂર્વ આયોજનબદ્ધ હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં યુવક ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે તેની માતા પર કાર ચડાવી નિર્દયી રીતે હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સામે આવતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.

પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનામાં ફરિયાદી ભાવેશભાઈ ભીલ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, આરોપીઓએ બાલકૃષ્ણ પેટ્રોલ પંપ નજીક હુમલો કરી યુવકને માર માર્યો અને બળજબરીપૂર્વક કારમાં બેસાડી અપહરણ કર્યું. દરમિયાન તેમની માતા જીતુબેન પર કાર ચડાવી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

 

આ બાદ આરોપીઓ યુવકને અલગ-અલગ સ્થળોએ લઈ જઈ મારકૂટ અને ધમકીઓ આપી ગેરકાયદેસર રીતે બંદી બનાવી રાખ્યો હતો. ઘટના અંગે જાણ થતાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી મહુવા સુધી પીછો કરીને યુવકને મુક્ત કરાવ્યો અને સારવાર માટે ખસેડ્યો.

 

પોલીસ દ્વારા કુલ 9 આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાંથી 7 આરોપીઓને ઝડપી પાડી પીપાવાવ મરીન પોલીસને સોંપવામાં આવ્યા છે. સમગ્ર કેસમાં IPS જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ તપાસ આગળ વધી રહી છે.

આ ઘટનાને લઈને પીપાવાવ કોસ્ટલ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઉભા થયા છે અને સ્થાનિકોમાં પોલીસની કામગીરી પ્રત્યે નારાજગી જોવા મળી રહી છે.

(1:06 PM IST)